
એશિયન લિજેન્ડ્સ લીગ 2026ની શરૂઆત થઈ ગઈ છે અને ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. આ લીગમાં ભારત અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ ફરી એકવાર મેદાન પર આમને-સામને જોવા મળશે.

ઇન્ડિયા રોયલ્સ અને પાકિસ્તાન પેન્થર્સ વચ્ચેનો ખાસ મુકાબલો 2 ઓગસ્ટ, રવિવારે રમાશે. જોકે, આ આંતરરાષ્ટ્રીય મેચ નહીં હોય, પરંતુ બંને દેશોના દિગ્ગજ ખેલાડીઓ સામસામે હોવાથી ચાહકોમાં ખાસ ઉત્સાહ જોવા મળશે.

પાકિસ્તાન પેન્થર્સની કેપ્ટનશિપ મોહમ્મદ હફીઝ કરી રહ્યો છે. ટીમમાં ઉમર અકમલ, શોએબ મલિક, કામરાન અકમલ, સોહેલ તનવીર, વહાબ રિયાઝ અને સઈદ અજમલ જેવા જાણીતા ખેલાડીઓ સામેલ છે.

બીજી તરફ, ઇન્ડિયા રોયલ્સનું નેતૃત્વ શિખર ધવન કરશે. ટીમમાં નમન ઓઝા, અંબાતી રાયડુ, સુરેશ રૈના, યુસુફ પઠાણ, દિનેશ કાર્તિક અને હરભજન સિંહ જેવા ભૂતપૂર્વ ભારતીય સ્ટાર્સ જોવા મળશે.

ઇન્ડિયા રોયલ્સે ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 31 જુલાઈએ બાંગ્લાદેશ ટાઇગર્સ સામે રમવાની છે. એશિયન લિજેન્ડ્સ લીગની શરૂઆતમાં શ્રીલંકા લાયન્સે અફઘાનિસ્તાન પઠાણ્સને 15 રનથી હરાવ્યું હતું. હવે ભારત-પાકિસ્તાનના દિગ્ગજોની ટક્કર આ લીગનું સૌથી મોટું આકર્ષણ બનવાની છે. (PC:X)