
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની 10મી આવૃત્તિ ઈંગ્લેન્ડમાં યોજાશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે. ક્રિકેટ ચાહકોને ફરી એકવાર હાઈ-વોલ્ટેજ મુકાબલાઓ જોવા મળશે.

આ વખતે ICCએ કુલ 8.76 મિલિયન અમેરિકન ડોલરની રેકોર્ડ ઈનામી રકમ જાહેર કરી છે. અગાઉની આવૃત્તિની સરખામણીએ તેમાં લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મહિલા ક્રિકેટના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ICCએ આ મોટો નિર્ણય લીધો છે.

ટૂર્નામેન્ટ જીતનારી ચેમ્પિયન ટીમને 2.34 મિલિયન અમેરિકન ડોલર મળશે. ભારતીય ચલણમાં આ રકમ આશરે ₹22.3 કરોડ જેટલી થાય છે. ખાસ વાત એ છે કે આ રકમ 2026ની મહિલા પ્રીમિયર લીગ જીતનાર RCBને મળેલી ₹20 કરોડની ઈનામી રકમ કરતાં પણ વધારે છે.

ફાઈનલમાં પરાજિત થનારી રનર-અપ ટીમ પણ કરોડોની કમાણી કરશે. રનર-અપ ટીમને 1.17 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે ₹11 કરોડની ઈનામી રકમ આપવામાં આવશે. તેથી ફાઈનલ સુધી પહોંચનારી બંને ટીમો માટે આર્થિક રીતે પણ મોટો લાભ રહેશે.

સેમિફાઈનલ સુધી પહોંચનારી દરેક ટીમને 6.75 લાખ અમેરિકન ડોલર મળશે, જે ભારતીય ચલણમાં અંદાજે ₹6.4 કરોડ જેટલી રકમ થાય છે. આમ, મહિલા T20 વર્લ્ડ કપ 2026 માત્ર પ્રતિષ્ઠા માટે જ નહીં, પરંતુ કરોડોની ઈનામી રકમ માટે પણ યાદગાર ટૂર્નામેન્ટ સાબિત થવાની છે. (PC:X/ICC)