
વૈભવ સૂર્યવંશી હાલમાં ભારતીય ટીમથી દૂર છે, પરંતુ તેનું ધ્યાન પોતાની રમતને વધુ મજબૂત બનાવવા પર છે. નાની ઉંમરે મોટી સિદ્ધિઓ મેળવનાર વૈભવ હવે રેડ-બોલ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવા માંગે છે.

IPL 2026માં ઓરેન્જ કેપ જીત્યા બાદ વૈભવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પગ મૂક્યો હતો. ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન તેણે તોફાની બેટિંગ કરીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો.

જોકે, ટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વૈભવને હજુ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ જ કારણ છે કે તેણે પોતાની નબળાઈ દૂર કરવા માટે ખાસ પ્રેક્ટિસ શરૂ કરી છે.

વૈભવ હાલમાં મહારાષ્ટ્રના તાલેગાંવમાં રાજસ્થાન રોયલ્સની એકેડેમીમાં 10 દિવસના તાલીમ કેમ્પમાં ભાગ લઈ રહ્યો છે. અહીં તે રેડ બોલ સામે ખાસ બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સના બેટિંગ કોચ વિક્રમ રાઠોડની દેખરેખ હેઠળ વૈભવ પોતાની ટેકનિક સુધારવા પર કામ કરી રહ્યો છે. તેનો મુખ્ય હેતુ લાંબા ફોર્મેટમાં (રેડ બોલ ક્રિકેટમાં) વધુ સારો ખેલાડી બનવાનો છે.

વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં દુલીપ ટ્રોફી 2026માં રમતો જોવા મળશે. તેને ઈસ્ટ ઝોનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને વાઈસ-કેપ્ટનશીપની જવાબદારી પણ આપવામાં આવી છે. અત્યાર સુધીની 10 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 207 રન બનાવ્યા છે, હવે તેની નજર આ આંકડાઓ સુધારવા પર છે. (PC:PTI/X)