
T20 ક્રિકેટમાં દિગ્ગજ ખેલાડીઓથી માંડીને યુવા સ્ટાર, તમામ લાંબા છગ્ગા મારવામાં એક્સપર્ટ બની ગયા છે. આ ફોર્મેટના કેટલાક એવા ખેલાડીઓ છે જે તેમના લાંબા સિક્સર માટે ફેમસ છે. પણ શું તમે જાણો છો કે T20 ક્રિકેટમાં કોણે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 5 ખેલાડીઓ પર એક નજર.

વેસ્ટ ઈન્ડિઝનો મહાન ખેલાડી ક્રિસ ગેલ આ યાદીમાં ટોચ પર છે. ગેલે 463 T20 મેચ રમી છે, જેમાં તેણે 36.22 ની સરેરાશથી 14,562 રન બનાવ્યા છે, ગેલે 22 સદી અને 88 અડધી સદી પણ ફટકારી છે. ગેલે T20 ક્રિકેટમાં 1,056 છગ્ગા ફટકાર્યા છે.

વિશ્વ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય અને T20 લીગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરનાર કિરોન પોલાર્ડ આ યાદીમાં બીજા ક્રમે છે. પોલાર્ડે પોતાની કારકિર્દીમાં 735 T20 મેચ રમી છે, જેમાં 31.62 ની સરેરાશથી 14,482 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 67 અડધી સદીનો સમાવેશ થાય છે. પોલાર્ડે T20માં કુલ 982 છગ્ગા ફટકાર્યા છે.

T20 ફોર્મેટમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક આન્દ્રે રસેલ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. રસેલે 590 T20 મેચ રમી છે, જેમાં 26.18 ની સરેરાશથી 9,636 રન બનાવ્યા છે. રસેલે બે સદી અને 34 અડધી સદી ફટકારી છે. રસેલે T20 ફોર્મેટમાં 784 છગ્ગા ફટકાર્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વહેલા નિવૃત્તિ જાહેર કરીને બધાને આશ્ચર્યચકિત કરનાર નિકોલસ પૂરન હજુ પણ વિશ્વભરની વિવિધ T20 લીગમાં રમી રહ્યો છે. પૂરને T20 ફોર્મેટમાં કુલ 445 મેચ રમી છે, જેમાં તેણે 29.82 ની સરેરાશથી 10,380 રન બનાવ્યા છે. પૂરનના નામે ચાર સદી અને 63 અડધી સદી છે. તેણે T20 ક્રિકેટમાં 712 છગ્ગા પણ ફટકાર્યા છે.

ઈંગ્લેન્ડનો જોસ બટલર આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. બટલરે T20 ફોર્મેટમાં 496 મેચ રમી છે, જેમાં તેણે 34.98 ની સરેરાશથી 13,961 રન બનાવ્યા છે. T20 ફોર્મેટમાં બટલરના નામે આઠ સદી અને 99 અડધી સદી છે. તેણે આ ફોર્મેટમાં 600 છગ્ગા પણ ફટકાર્યા છે. (PC:PTI/X)