
ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. જોકે, ટીમનો યુવા અને પ્રતિભાશાળી બેટ્સમેન સાઈ સુદર્શન ટીમ સાથે જોવા મળ્યો નથી. જેના કારણે તેની ફિટનેસ અને શ્રેણીમાં રમવા અંગે સવાલો ઉભા થયા છે.

સાઈ સુદર્શન તાજેતરમાં શ્રીલંકા પ્રવાસે ગયેલી ઈન્ડિયા A ટીમનો ભાગ હતો. આ પ્રવાસમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા ચાર ઇનિંગ્સમાં 332 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે શાનદાર સદી પણ ફટકારી હતી.

જોકે, આ જ પ્રવાસ દરમિયાન સાઈ સુદર્શનને પગમાં ઈજા થઈ હતી. જેના કારણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેના રમવા પર અનિશ્ચિતતા ઉભી થઈ છે. હાલમાં તે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિકવરી પ્રક્રિયામાં છે.

રિપોર્ટ્સ અનુસાર, સાઈ સુદર્શને બેટિંગની શરૂઆત કરી દીધી છે અને તે નેટ્સમાં લગભગ 75 મિનિટ સુધી બેટિંગ કરી રહ્યો છે. જોકે, હજુ સુધી તેને સંપૂર્ણ ફિટ જાહેર કરવામાં આવ્યો નથી.

BCCIની મેડિકલ ટીમ તેની ફિટનેસ પર સતત નજર રાખી રહી છે. નિયમો અનુસાર, સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ ટીમ ફિટનેસ ક્લિયરન્સ આપશે ત્યાર બાદ જ સાઈ સુદર્શન શ્રીલંકા માટે રવાના થઈ શકશે. હવે સૌની નજર તેના રિકવરી રિપોર્ટ પર રહેશે. (PC:PTI/X)