Pakistan: કપડાંની જેમ કોચ બદલે છે પાકિસ્તાન, 5 વર્ષમાં 11 વખત કોચ બદલ્યા
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ PCB ફરી એકવાર મોટા ફેરફારો કરી રહ્યું છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત બે હાર બાદ ટીમમાં ખેલાડીઓ સાથે કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાન ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં કુલ 11 વખત કોચ બદલવામાં આવ્યા છે.

પાકિસ્તાનનો ઇંગ્લેન્ડ પ્રવાસ મેદાન પરના ખરાબ પ્રદર્શન ઉપરાંત ટીમમાં સતત થઈ રહેલા ફેરફારોને કારણે પણ ચર્ચામાં છે. પહેલી બે ટેસ્ટમાં કારમી હાર બાદ PCBએ અંતિમ ટેસ્ટ પહેલા ટીમમાં મોટા ફેરફારો કર્યા છે અને ટેસ્ટ ટીમના કોચને પણ બદલી નાખ્યો છે.

સરફરાઝ અહેમદના સ્થાને માઈક હેસનને ટેસ્ટ ટીમનો કોચ બનાવવામાં આવ્યો છે. આ સાથે પાકિસ્તાન ટેસ્ટ ટીમના કોચિંગ સ્ટાફમાં ફરી એકવાર મોટો ફેરફાર થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ટેસ્ટ ટીમ માટે અનેક વખત કોચ બદલવામાં આવ્યા છે.

2023થી પાકિસ્તાને ટેસ્ટ ટીમ માટે સતત નવા કોચ પસંદ કર્યા છે. મોહમ્મદ હાફીઝ, જેસન ગિલેસ્પી, અઝહર મહમૂદ અને સરફરાઝ અહેમદ બાદ હવે માઈક હેસનને જવાબદારી સોંપવામાં આવી છે. આટલા ટૂંકા સમયમાં વારંવાર થયેલા ફેરફારોએ PCBની નીતિ પર સવાલો ઊભા કર્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન સતત ઘટ્યું છે. ટીમને બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને હવે ઇંગ્લેન્ડ સામે પણ નિરાશાજનક પરિણામો મળ્યા છે. ખરાબ પરિણામો બાદ PCBનું પહેલું પગલું મોટાભાગે કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવાનું રહ્યું છે.

માત્ર ટેસ્ટ ટીમ જ નહીં, છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાને તમામ ફોર્મેટમાં કુલ 11 વખત કોચ બદલ્યા છે. મિસ્બાહ-ઉલ-હક, સકલૈન મુશ્તાક, મોહમ્મદ હાફીઝ, ગેરી કર્સ્ટન અને આકિબ જાવેદ જેવા કોચ પણ આ સમયગાળામાં ટીમ સાથે જોડાયેલા રહ્યા છે. સતત ફેરફારો છતાં પાકિસ્તાન ક્રિકેટનું પ્રદર્શન સુધરતું નથી. (PC:PTI/X)
Asian Games 2026: શું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ટોઈલેટ માટે અડધો કિલોમીટર દૂર જવું પડશે? જાપાન ક્રિકેટે કરી સ્પષ્ટતા
