
ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિષભ પંત ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ફિટ થઈ ગયો છે. ગુરુવારે તે ટીમ સાથે જોડાવા રવાના થશે. અગાઉ ઈરાની કપ દરમિયાન તેને સાઇડ સ્ટ્રેનની ઈજા થઈ હતી.

ન્યુઝીલેન્ડ જતાં પહેલાં પંત બુધવારે સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફરજિયાત મેચ સિમ્યુલેશન સત્રમાં ભાગ લેશે. મેડિકલ સ્ટાફ તેની રિકવરીથી સંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું છે.

બાકીની ભારતીય ટેસ્ટ ટીમ પહેલેથી જ ન્યુઝીલેન્ડ પહોંચી ગઈ છે. 19 નવેમ્બરથી વેલિંગ્ટનમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલાં પંત પાસે તૈયારી માટે આશરે એક અઠવાડિયાનો સમય રહેશે.

પંતે ભારત-Aની ત્રીજી બિનસત્તાવાર ટેસ્ટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તે સમયે સંપૂર્ણ ફિટ ન હોવાથી રમી શક્યો નહોતો. હવે તેને સીધો ટીમમાં સામેલ કરવાની શક્યતા છે.

જોકે, ધ્રુવ જુરેલે ભારત-A તરફથી શાનદાર બેટિંગ કરીને ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓમાં અનુભવ મેળવ્યો છે. તેથી વિકેટકીપર તરીકે કોને તક મળશે તે જોવું રસપ્રદ રહેશે.

ન્યુઝીલેન્ડમાં પંતનો ટેસ્ટ રેકોર્ડ ખાસ સારો નથી. તેણે અહીં બે ટેસ્ટમાં માત્ર 60 રન બનાવ્યા છે. જોકે, વિદેશી મેદાનો પર તેનો પ્રભાવશાળી રેકોર્ડ છે.

પંતે ઓસ્ટ્રેલિયામાં 879 અને ઇંગ્લેન્ડમાં 1,035 ટેસ્ટ રન બનાવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં પણ તેના નામે એક સદી સહિત 186 રન છે.

હવે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ પંતને સીધો પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપે છે કે તેને પહેલા મેચ ફિટનેસ અને પ્રેક્ટિસ માટે સમય આપે છે. તેની વાપસીથી ટીમની બેટિંગને નવી મજબૂતી મળી શકે છે. (PC:PTI/X)