
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2026ની તૈયારીઓ પહેલા પોતાના મેનેજમેન્ટમાં મોટો ફેરફાર કરતા અભિષેક નાયરને ટીમનો હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. તે ચંદ્રકાંત પંડિતનું સ્થાન લેશે, જેમણે સતત ત્રણ સિઝન સુધી KKRના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી.

ચંદ્રકાંત પંડિતના રાજીનામા બાદ KKR ફ્રેન્ચાઈઝ નવા કોચની શોધમાં હતી, અને અંતે KKRએ પોતાના ભૂતપૂર્વ સપોર્ટ સ્ટાફ સભ્ય અભિષેક નાયર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અભિષેક અગાઉ પાંચ વર્ષ સુધી KKR સાથે જોડાયેલો હતો અને ટીમ માટે અનેક યુવા ખેલાડીઓને આગળ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

42 વર્ષીય અભિષેક નાયર પોતાની આધુનિક અને માનસિક તાલીમ પર આધારિત કોચિંગ પદ્ધતિ માટે જાણીતો છે. તાજેતરમાં તેણે ભારતીય ક્રિકેટ ટીમના સહાયક કોચ તરીકે કામ કર્યું હતું અને રોહિત શર્મા, કેએલ રાહુલ તથા શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું.

WPL 2025માં તે UP વોરિયર્સનો હેડ કોચ પણ રહ્યો હતો, જોકે ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેમ છતાં, નાયરની વ્યૂહાત્મક સમજ અને ખેલાડીઓ સાથેનો સારો સમન્વય KKR માં નવી ઉર્જા લાવશે તેવી આશા છે.

IPL 2025માં KKRનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, કારણ કે ટીમ ફક્ત પાંચ જીત સાથે આઠમા સ્થાને રહી હતી. IPL 2024નું ટાઈટલ જીત્યા બાદ ટીમ પાસેથી ઘણી અપેક્ષા હતી, પરંતુ તેઓ પ્લેઓફ સુધી પણ પહોંચી શક્યા નહોતાં.

હવે અભિષેક નાયરની નિમણૂક સાથે KKR મેનેજમેન્ટને આશા છે કે નવી કોચિંગ ટીમ સાથે કોલકાતા ફરી એકવાર ચેમ્પિયન બનવા માટે મજબૂત રીતે મેદાનમાં ઉતરશે. (PC : X / PTI)