
T20 વર્લ્ડ કપની ફાઈનલ 29 જૂને રમાશે. વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા સૌથી પહેલા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે 5 T20 મેચ રમવાની છે. આ પછી ટીમ શ્રીલંકા જશે જ્યાં વનડે અને T20 સિરીઝ રમશે.

શ્રીલંકા સિરીઝ બાદ ભારતીય ટીમની હોમ સિરીઝ શરૂ થશે, જે સપ્ટેમ્બરથી ચાલુ થશે અને અને ફેબ્રુઆરી સુધી ચાલશે. ટીમ ઈન્ડિયા આ દરમિયાન બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની યજમાની કરશે.

ટીમ ઈન્ડિયા આ ટીમો સામે કુલ 5 ટેસ્ટ મેચ રમશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025નો ભાગ છે. આ સિવાય ભારતીય ટીમ 8 T20 મેચ અને પછી 3 ODI મેચ પણ રમશે, જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા રમાશે.

પહેલા ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશની યજમાની કરશે, જેમાં 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમવાની છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત આવશે અને બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમો વચ્ચે 3 અઠવાડિયામાં 5 T20 અને 3 ODI રમાશે.

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયા નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જશે, જ્યાં તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે. આ વખતે આ ટેસ્ટ સિરીઝ 5 મેચની હશે.