
અમદાવાદના સિવિલ હોસ્પિટલના ડો રાકેશ જોશીએ કહ્યું કે, જે 247 મૃતદેહની ઓળખ થઈ છે. જેમાં 187 ભારતીય, 52 બ્રિટિશ,7 પોર્ટુગલ નાગરિક અને એક કેનેડાના વ્યક્તિનો મૃતદેહ સામેલ છે.

પ્લેન દુર્ઘટના પછી ગુમ થયેલા ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું મૃત્યુ થયું છે. ડીએનએ તપાસ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, 34 વર્ષીય જીરાવાલા તેમના ટુ-વ્હીલર પર આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લંડન જતું વિમાન હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયું હતું. જોકે, પરિવાર હજુ પણ વિશ્વાસ કરી શકતો નથી કે જીરાવાલાનું મૃત્યુ થયું છે.

12 જૂનના રોજ, એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 (787-8 બોઇંગ ડ્રીમલાઇનર) ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. પ્લેન બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતુ. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા, જેમાં વિમાનમાં સવાર 241 લોકો (229 મુસાફરો (એક જીવિત) અને 10 કેબિન ક્રૂ, 2 પાઇલટ), હોસ્ટેલ બિલ્ડિંગ અને બાકીના 34 લોકોનો સમાવેશ થાય છે.