
ચીનની સેન્ટ્રલ બેંકે સતત 15મા મહિને સોનાની ખરીદી કરવાની પુષ્ટિ કરી છે, જેનાથી સમગ્ર વિશ્વના નાણાકીય બજારો ચોંકી ગયા છે. 'પીપલ્સ બેંક ઓફ ચાઈના'ના આંકડા મુજબ, જાન્યુઆરી મહિનામાં પણ ચીને તેના ગોલ્ડ રિઝર્વમાં (સોનાના ભંડારમાં) વધારો કર્યો છે. રોયટર્સના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીના અંત સુધીમાં ચીન પાસે સોનાનો જથ્થો વધીને 74.19 મિલિયન ફાઈન ટ્રોય આઉન્સ થઈ ગયો છે, જે એક મહિના પહેલા 74.15 મિલિયન ટ્રોય આઉન્સ હતો.

માત્ર જથ્થામાં જ નહીં પરંતુ ચીનના ગોલ્ડ રિઝર્વના કુલ મૂલ્યમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરીના અંતમાં ચીનના ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય વધીને 369.58 અબજ ડોલર પર પહોંચી ગયું છે, જે એક મહિના પહેલા 319.45 અબજ ડોલર હતું. આ વધારો એવા સમયે થયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય જોખમોને કારણે અનિશ્ચિતતાનો માહોલ છે.

સોનું લાંબા સમયથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જાન્યુઆરીમાં સટ્ટાકીય ખરીદીને કારણે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો અને તે 5,600 ડોલર પ્રતિ આઉન્સના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. જો કે, આ તેજી લાંબો સમય ટકી શકી નહીં. જાન્યુઆરીના અંતમાં અમેરિકન ફેડરલ રિઝર્વના આગામી ચેરમેન તરીકે કેવિન વોર્શના નામાંકન પછી સ્પોટ ગોલ્ડના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

સોમવારે સોનું ગગડીને 4,403.24 ડોલર પ્રતિ આઉન્સ સુધી નીચે આવી ગયું હતું. ત્યારબાદ થોડી રિકવરી જોવા મળી અને હાલમાં સોનું 4,960 ડોલર પ્રતિ આઉન્સની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આ ઉતાર-ચઢાવે વૈશ્વિક ગોલ્ડ માર્કેટમાં હલચલ મચાવી દીધી છે.

ચીનમાં સોનાના વપરાશની વાત કરીએ તો, તેમાં સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે. સ્ટેટ-સપોર્ટેડ 'ચાઇના ગોલ્ડ એસોસિએશન' મુજબ, વર્ષ 2025માં ચીનમાં સોનાનો વપરાશ 3.75 ટકા ઘટીને 950 મેટ્રિક ટન રહ્યો હતો. જો કે, આનાથી વિપરીત ગોલ્ડ બાર (સોનાની લગડી) અને સિક્કાની ખરીદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

સુરક્ષિત રોકાણ (Safe Haven Demand) દર્શાવતી ગોલ્ડ બાર અને સિક્કાની ખરીદીમાં વર્ષ 2025માં 35.14 ટકાનો વધારો થયો છે અને હવે તે ચીનના કુલ સોનાના વપરાશના અડધાથી વધુ હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ 'મે 2024'માં 18 મહિના સુધી ચાલેલી સોનાની ખરીદીના સિલસિલાને અટકાવ્યો હતો પરંતુ 6 મહિના પછી તેણે ફરીથી સોનું ખરીદવાનું શરૂ કરી દીધું છે.