મધ્ય પ્રદેશના 1 વર્ષના બાળકને છેલ્લા 1 મહિનાથી શરદીની તકલીફ હોવાને કારણે તેને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તપાસ કરીને નિદાન કરાયું હતું કે, બાળકની અન્નનળીમાં છેલ્લા 30 દિવસથી સિંગોડાની છાલ ચોંટી ગઈ હતી. જેથી હોસ્પિટલમાં ડો.રંજન ઐયરની દેખરેખ હેઠળ બાળકની ઇસોફેગોસ્કોપી કરવામાં આવી હતી.
સર્જરી બાદ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પણ તબિયતમાં કોઈ સુધારો ન જણાતાં બાળકનાં માતા-પિતા તેને સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં બાળકને 6 દિવસ એડમિટ રાખવામાં આવ્યો હતો અને સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.
જોકે ત્યાં પણ કોઈ નિદાન ન થતાં દાહોદની હોસ્પિટલમાંથી બાળકને વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બાળકે ખાવાનું બંધ કરી દીધું હતું અને જો કંઈ પણ ખાય તો તે બહાર કાઢી નાખતું હતું.
બાળકની તકલીફને 30 દિવસથી વધારે સમય થઈ જવા છતાં કોઈ સુધારો ન થતાં આખરે માતા-પિતા તેને લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યાં હતાં. જ્યાં નિદાન આવ્યું હતું કે, બાળકની અન્નનળીમાં સિંગોડાની છાલ ચોંટી ગઈ છે, જેથી તે કંઈ ખાઈ શકતું નથી.
નિદાન થતાં સયાજી હોસ્પિટલના ડો. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ 2 તબીબોએ બાળકની ઇસોફેગોસ્કોપી કરીને શિંગોડાની છાલ બહાર કાઢી હતી. બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાં રજા અપાઈ હતી.
Published On - 6:10 pm, Wed, 19 February 25