
ભારતમાં સોનાને માત્ર આભૂષણ નહીં પરંતુ સુરક્ષિત બચત તરીકે પણ જોવામાં આવે છે. લગ્ન, તહેવારો અને રોકાણમાં તેનું ખાસ મહત્ત્વ છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પરિસ્થિતિ અને વિદેશી ચલણના દબાણને ધ્યાનમાં રાખીને લોકોને થોડો સમય સોનું ખરીદવાનું ટાળવાની સલાહ આપી હતી. ત્યારથી ચર્ચા ચાલી રહી છે કે શું સરકાર લોકો પાસેથી સોનું જમા કરાવી શકે છે અને આવી સ્થિતિ પહેલાં ક્યારે સર્જાઈ હતી.

મહામંદીના સમયમાં, 1933માં ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટેએ અમેરિકામાં એક ખાસ આદેશ જાહેર કર્યો હતો, જેમાં લોકોને વધારે પ્રમાણમાં સોનું રાખવા પર રોક લગાવવામાં આવી હતી. લોકો પાસે રહેલું મોટાભાગનું સોનું સરકારે જમા કરાવવું પડતું અને બદલામાં તેમને નોટો આપવામાં આવતી. નિયમ તોડનારાઓ સામે દંડ અને જેલ જેવી કડક કાર્યવાહી પણ થઈ શકતી હતી.

આ નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે અમેરિકાની અર્થવ્યવસ્થા ભારે મંદીમાં હતી. બેંકો બંધ થઈ રહી હતી, બેરોજગારી વધી રહી હતી અને દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. સરકાર માનતી હતી કે લોકો પાસે જમા થયેલું સોનું બજારમાં નાણાંની અવરજવર ઘટાડે છે, તેથી સોનાના ભંડાર પર નિયંત્રણ જરૂરી બન્યું હતું.

ભારતમાં અમેરિકાની જેમ લોકો પાસેથી સોનું જપ્ત કરવામાં આવ્યું નથી, પરંતુ અગાઉ સોનાને લઈને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. 1968માં સરકારે ગોલ્ડ કંટ્રોલ કાયદો લાવ્યો હતો, જેમાં સોનાની ઇંટો અને સિક્કા રાખવા પર નિયંત્રણ મૂકાયું હતું. લોકોને મોટાભાગે ફક્ત દાગીનાના રૂપમાં જ સોનું રાખવાની મંજૂરી હતી. આ નિયમો સોનાની આયાત ઘટાડવા અને કાળા નાણાં પર નિયંત્રણ માટે બનાવાયા હતા, જે પછી 1990માં હટાવી દેવામાં આવ્યા હતા.

હાલમાં ભારતમાં સોનું રાખવાની કોઈ નિશ્ચિત કાનૂની મર્યાદા નથી, પરંતુ જરૂર પડે ત્યારે તેના કાયદેસર સ્ત્રોતની માહિતી આપવી જરૂરી બને છે. આવકવેરા તપાસ દરમિયાન સામાન્ય રીતે પરિણીત મહિલાઓને 500 ગ્રામ, અપરિણીત મહિલાઓને 250 ગ્રામ અને પુરુષોને 100 ગ્રામ સુધીનું સોનું રાહતરૂપે રાખવાની મંજૂરી મળે છે.

સામાન્ય સ્થિતિમાં સરકાર લોકોનું ખાનગી સોનું સીધું જપ્ત કરી શકતી નથી. પરંતુ યુદ્ધ, મોટી આર્થિક મુશ્કેલી અથવા રાષ્ટ્રીય કટોકટી જેવી પરિસ્થિતિમાં ખાસ સત્તાઓ હેઠળ સરકાર કડક પગલાં લઈ શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)