
ઘરોમાં સામાન્ય રીતે 2,000 થી 3,000 વોટની ક્ષમતાવાળા ગીઝર ઉપયોગમાં લેવાય છે. જો સાવચેતી ન રાખવામાં આવે, તો શિયાળામાં ગીઝર પણ AC જેટલું જ તોતિંગ વીજળી બિલ લાવી શકે છે. આવી સ્થિતિમાં 4 મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે, જેથી શિયાળામાં ગરમ પાણી તમારા બજેટ પર બોજ ન બને.

સવાર અને સાંજની ગુલાબી ઠંડી સાથે શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. આ સાથે જ ઘરોમાં AC બંધ થશે અને ગીઝરનો ઉપયોગ શરૂ થઈ જશે. ઘરોમાં વપરાતા 2,000 થી 3,000 વોટ ક્ષમતાના ગીઝર AC જેટલી જ વીજળી વાપરે છે. જોકે જો તમે ગીઝરનો યોગ્ય રીતે ઉપયોગ કરશો, તો વીજળી બિલને લઈને ક્યારેય ચિંતા કરવી નહીં પડે.

આ માટે તાપમાનનું સેટિંગ અને ટાઈમિંગ જેવી કેટલીક પાયાની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેથી સમગ્ર શિયાળા દરમિયાન પૂરતું ગરમ પાણી પણ મળતું રહેશે અને વધારે વીજળી બિલ પણ ચૂકવવું નહીં પડે.

ડિફોલ્ટ તાપમાન બદલો: ગીઝરને તેના ડિફોલ્ટ તાપમાન પર જ ચલાવવું એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે, કારણ કે મોટાભાગના ગીઝરમાં તાપમાન પહેલેથી જ 60 થી 75 ડિગ્રી સેલ્સિયસ પર સેટ હોય છે. આવી સ્થિતિમાં થર્મોસ્ટેટને ઘટાડીને 45 થી 50 ડિગ્રી પર સેટ કરી દેવું જોઈએ. આમ કરવાથી ગીઝર સતત ચાલુ નહીં રહે અને પાણી નિર્ધારિત તાપમાને પહોંચતાં જ ઓટો-કટ થઈ જશે. આનો એક મોટો ફાયદો એ પણ થશે કે પાણી સીધું વાપરી શકાય તેવા તાપમાને જ રહેશે અને તેમાં અલગથી ઠંડુ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે.

ટાઈમર અથવા સ્માર્ટ પ્લગનો ઉપયોગ કરો: ગીઝરમાં ઓટો-કટ ફીચર હોય તો પણ તેને આખો દિવસ ચાલુ રાખવો યોગ્ય નથી. જો તમે ઇચ્છતા હોવ કે ગીઝરના લીધે વીજળી બિલ ન વધે, તો જરૂરિયાત મુજબ 15 થી 20 મિનિટ ચાલુ રાખીને બંધ કરી દો. જો તમે ગીઝર બંધ કરવાનું ભૂલી જવા માંગતા ન હોવ, તો 16A ના સ્માર્ટ પ્લગનો ઉપયોગ કરી શકો છો. તેમાં ગીઝર શરૂ અને બંધ થવાનો ચોક્કસ સમય સેટ કરી શકાય છે, જેનાથી ગીઝર જાતે ઓન કે ઓફ કરવાની ચિંતા રહેતી નથી.

સારી સ્ટાર રેટિંગ ધરાવતું મોડેલ પસંદ કરો: જો તમે નવું ગીઝર ખરીદી રહ્યા હોવ, તો શરૂઆતથી જ 5-સ્ટાર રેટિંગવાળું મોડેલ પસંદ કરવું ફાયદાકારક રહેશે. આ સાથે, જો એક કે બે વ્યક્તિઓ વાપરવાના હોય તો 15 લિટર ક્ષમતાવાળું અને ચાર સભ્યોના પરિવાર માટે 25 લિટરનું ગીઝર યોગ્ય રહે છે. રસોડામાં વાસણ ધોવા માટે 1 થી 3 લિટરનું ઇન્સ્ટન્ટ ગીઝર લગાવવું અનુકૂળ રહે છે.

વર્ષમાં એકવાર સર્વિસ કરાવો: ઘણા વિસ્તારોમાં પાણી વધારે ક્ષારવાળું હોય છે. જેના કારણે ગીઝરની અંદર રહેલી હીટિંગ રોડ પર ક્ષારનું પડ જામી જાય છે. જો સમયસર ગીઝરની સર્વિસ ન કરાવાય, તો પાણી ગરમ થવામાં વધુ સમય લાગે છે અને વીજળીનો વપરાશ વધી જાય છે. તેથી ગીઝરની વર્ષમાં એકવાર સર્વિસ અચૂક કરાવો અને જરૂર જણાય તો એનોડ રોડ બદલાવી લો.