
આવકવેરા વિભાગ દ્વારા વર્ષ 2026 થી પાન કાર્ડ અને નાણાકીય વ્યવહારોને લઈને એક નવું માળખું લાગુ કરવામાં આવ્યું છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોના નાના અને ઓછા જોખમ ધરાવતા વ્યવહારોને સરળ બનાવવાનો છે, જ્યારે મોટા પાયે થતી આર્થિક પ્રવૃત્તિઓ પર દેખરેખ વધુ મજબૂત કરવાનો છે.

આ નવા ફેરફારો અંતર્ગત કુલ 8 એવા મોટા ટ્રાન્ઝેક્શન નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં હવે ગ્રાહકોએ પાન કાર્ડની વિગતો આપવાની કોઈ જરૂર રહેશે નહીં. આ ઉપરાંત, સરકારે અત્યાર સુધી વપરાતા ફોર્મ 60 ને કાયમી ધોરણે બંધ કરીને તેના સ્થાને 'ફોર્મ 97' રજૂ કર્યું છે. જો કે, હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શનમાં આ ફોર્મનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે નહીં. દરેક ટેક્સપેયરે કાનૂની ગૂંચવણોથી બચવા માટે આ નવા નિયમો જાણી લેવા ખૂબ જ જરૂરી છે.

રોકડ જમા અને ઉપાડના નિયમોમાં મોટી રાહત: પહેલાં બેંકમાં એક દિવસમાં 50 હજાર રૂપિયાથી વધુ રોકડા જમા કરાવવા પર પાન કાર્ડ આપવું ફરજિયાત હતું, જેને હવે સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. આ સાથે વાર્ષિક રોકડ જમા કરાવવાની રિપોર્ટિંગ મર્યાદા પણ 2.5 લાખ રૂપિયાથી સીધી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. જો કે, ધ્યાન રાખવું કે વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયાથી વધુનો કુલ રોકડ ઉપાડ હવે સીધો જ પાન રિપોર્ટિંગના દાયરામાં આવશે.

પ્રોપર્ટીના સોદા પર નિયમો થયા કડક: પ્રોપર્ટીની ખરીદી કે વેચાણ માટે પાન કાર્ડ ફરજિયાત કરવાની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનની રિપોર્ટિંગ મર્યાદા પણ 30 લાખથી વધારીને 45 લાખ રૂપિયા કરાઈ છે. હવે 45 લાખ રૂપિયાથી વધુના તમામ પ્રોપર્ટી સોદા માટે પાન કાર્ડ હોવું અનિવાર્ય રહેશે. આ નિયમમાં ગિફ્ટ ડીડ અને જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટને પણ વિશેષ રૂપે સામેલ કરાયા છે, જ્યાં પહેલાં ફોર્મ 60 થી કામ ચાલતું હતું ત્યાં હવે પાન કાર્ડ જ આપવું પડશે.

લગ્ન પ્રસંગો અને હોટેલના બિલ પર કડક નજર: હોટેલ અને રેસ્ટોરન્ટમાં રોકડ ચૂકવણી માટે પાન કાર્ડ આપવાની મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી છે. આ નિયમનો વ્યાપ વધારીને હવે તેમાં બેન્ક્વેટ હોલ, કન્વેન્શન સેન્ટર અને ઇવેન્ટ મેનેજરોને પણ સાંકળી લેવાયા છે. આનો અર્થ એ થયો કે લગ્નો કે મોટા આયોજનોમાં થતા ભારે રોકડ વ્યવહારો પર હવે ઇન્કમ ટેક્સ વિભાગની સીધી નજર રહેશે.

વાહનો, વીમો અને સ્ટેમ્પ પેપરના અન્ય મહત્વના નિયમો, વાહનોની ખરીદી: 5 લાખ રૂપિયાથી વધુના વાહનો પર પાન કાર્ડની જરૂરિયાત પહેલાની જેમ જ રહેશે. હવે મોટર વ્હીકલ એક્ટ હેઠળ આવતા તમામ ટુ-વ્હીલર્સને પણ આમાં સામેલ કરી દેવાયા છે, જ્યારે ટ્રેક્ટરને આ નિયમમાંથી મુક્તિ અપાઈ છે.

ઇન્શ્યોરન્સ પ્રીમિયમ: વીમા કંપનીઓ માટે હવે એ ફરજિયાત કરાયું છે કે તેઓ પાન કાર્ડ ધરાવતા ગ્રાહકોના કિસ્સામાં 5 લાખ રૂપિયાથી વધુ અને પાન કાર્ડ વગરના કિસ્સામાં 2.5 લાખ રૂપિયાથી વધુના પ્રીમિયમ પેમેન્ટની માહિતી વિભાગને સોંપે.

સ્ટેમ્પ પેપર ખરીદી: સ્ટેમ્પ પેપરની ખરીદી પર પણ નજર રાખવામાં આવશે, જેની રિપોર્ટિંગ લિમિટ પાન કાર્ડ ધારકો માટે 2 લાખ રૂપિયા અને પાન વગરના ગ્રાહકો માટે 1 લાખ રૂપિયા નક્કી કરાઈ છે.

બેંક ડ્રાફ્ટ અને વિદેશ યાત્રા: બેંક ડ્રાફ્ટ, પે-ઓર્ડર કે બેન્કર્સ ચેક માટે રોકડ ચૂકવણી પર હવે દૈનિક ધોરણે પાન કાર્ડ આપવું જરૂરી નથી, પરંતુ તેનું વાર્ષિક મોનિટરિંગ થતું રહેશે. વિદેશ યાત્રાના ખર્ચ અને ફોરેક્સની ખરીદી માટેની અલગ પાન કેટેગરીઝ હટાવી દેવાઈ છે, પરંતુ જો કોઈ ટ્રાન્ઝેક્શન વસ્તુઓ અને સેવાઓની ખરીદી હેઠળ પ્રતિ ટ્રાન્ઝેક્શન 2 લાખ રૂપિયાથી વધુ થાય, તો તે નિયમોના દાયરામાં આવી શકે છે.