
IT સેક્ટરની એક કંપની એ નાણાકીય વર્ષ 2025-26 ના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફા અને કમાણી બંનેમાં વધારો થયો છે. જો કે, ત્યારબાદ ઘણી બ્રોકરેજ ફર્મ્સ દ્વારા કંપની પર અહેવાલો જાહેર કરવામાં આવ્યા છે અને શેર માટે નવા ટાર્ગેટ પ્રાઈસ આપવામાં આવ્યા છે. કેટલાક બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીની ઓર્ડર બુક અને મોટી ડીલ્સ આવનારા સમયમાં બિઝનેસને ટેકો આપી શકે છે, જ્યારે કેટલાક રિપોર્ટ્સમાં BFS બિઝનેસમાં નબળાઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી-માર્ચ FY26 ક્વાર્ટરમાં તેનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 612.3 કરોડ રૂપિયા રહ્યો હતો. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 261.2 કરોડ રૂપિયા હતો, એટલે કે કંપનીનો નફો એક વર્ષમાં બમણાથી પણ વધુ વધ્યો છે.

Q4 FY26 માં કામગીરીમાંથી મળેલી આવક 4,450.4 કરોડ રૂપિયા રહી હતી, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 3,422.2 કરોડ રૂપિયા હતી. વાર્ષિક ધોરણે કંપનીની આવકમાં આશરે 30 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, ત્રિમાસિક ધોરણે પણ આવકમાં 5.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. સમગ્ર નાણાકીય વર્ષ FY26 ની વાત કરીએ તો, કંપનીનો ચોખ્ખો નફો 1,555.7 કરોડ રૂપિયા રહ્યો હતો, જે FY25 માં 812.1 કરોડ રૂપિયા હતો. કંપનીની વાર્ષિક આવક પણ 35.8 ટકા વધીને 16,402.7 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

બ્રોકરેજ ફર્મ Emkay એ કોફોર્જ પર 'BUY' રેટિંગ જાળવી રાખ્યું છે અને શેરની ટાર્ગેટ પ્રાઈસ 1,400 રૂપિયા રાખી છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીનું Q4 નું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું પરંતુ કેટલાક મહત્વના આંકડા અપેક્ષા કરતા સારા રહ્યા હતા. રિપોર્ટ મુજબ, કંપનીની ડોલર આવક 489 મિલિયન ડોલર રહી હતી, જે ત્રિમાસિક ધોરણે 1.7 ટકા વધી હતી. કોન્સ્ટન્ટ કરન્સીના આધારે આ વૃદ્ધિ 2 ટકા રહી હતી. કંપનીનું ઓપરેટિંગ માર્જિન પણ અંદાજ કરતા વધુ રહ્યું હતું.

Emkay એ જણાવ્યું કે, BFSI બિઝનેસમાં થોડી નબળાઈ જોવા મળી હતી, જેનું કારણ કેટલાક ક્લાયન્ટ સંબંધિત મુદ્દાઓ અને બિઝનેસ ટ્રાન્ઝિશન રહ્યા હતા. જો કે, હેલ્થકેર અને હાઈ-ટેક બિઝનેસે કંપનીની વૃદ્ધિમાં મદદ કરી હતી. બ્રોકરેજે એ પણ જણાવ્યું કે, કંપનીને માર્ચ ક્વાર્ટરમાં પાંચ મોટી ડીલ્સ મળી હતી અને સમગ્ર FY26 માં કંપનીએ 21 મોટી ડીલ્સ સાઈન કરી હતી. Q4 માં કુલ ઓર્ડર ઈનટેક 648 મિલિયન ડોલર રહ્યો હતો, જેના કારણે આગામી 12 મહિના માટે કંપનીની એક્ઝિક્યુટેબલ ઓર્ડર બુક 1.75 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આમાં કેટલાક મોટા ફ્રેમવર્ક એગ્રીમેન્ટ્સ જોડાયેલ નથી. કંપનીને આશા છે કે, તેની અસર FY27 માં જોવા મળી શકે છે. Emkay મુજબ, કંપની AI પર સતત ફોકસ વધારી રહી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે, “Agentic AI” આવનારા સમયમાં મેનેજ્ડ સર્વિસીસનું મોટું બજાર તૈયાર કરી શકે છે.

બ્રોકરેજ ફર્મ Nuvama એ પણ કોફોર્જ પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે શેરની ટાર્ગેટ પ્રાઈસ 2,100 રૂપિયાથી વધારીને 2,200 રૂપિયા કરી દીધી છે. બ્રોકરેજનું માનવું છે કે, કંપની FY27 માં પણ ઇન્ડસ્ટ્રી કરતા વધુ સારી વૃદ્ધિ દર્શાવી શકે છે. હાલમાં શેર FY27 ની અંદાજિત કમાણી સામે આશરે 20 ગણા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યો છે.

PL Capital એ જણાવ્યું કે, કંપનીની રેવન્યુ વૃદ્ધિ અંદાજ કરતા થોડી સારી રહી. કોન્સ્ટન્ટ કરન્સીના આધારે કંપનીની આવક 2 ટકા વધી હતી. બ્રોકરેજ મુજબ BFS બિઝનેસમાં નબળાઈ રહી હતી પરંતુ કંપનીને આશા છે કે, FY27 દરમિયાન આમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. FY26 માં કુલ 21 મોટી ડીલ્સ થઈ અને આગામી 12 મહિનાની એક્ઝિક્યુટેબલ ઓર્ડર બુક વાર્ષિક ધોરણે 16.4 ટકા વધી છે. AI હવે કંપની માટે મોટો ગ્રોથ એરિયા બની રહ્યો છે. Encora ના ઈન્ટિગ્રેશનથી કંપનીની એન્જિનિયરિંગ ક્ષમતા અને AI સર્વિસ મજબૂત થઈ છે. PL Capital એ શેર પર 'BUY' રેટિંગ સાથે 2,020 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

મોતીલાલ ઓસવાલે કોફોર્જ પર 'BUY' રેટિંગ આપ્યું છે અને શેરની ટાર્ગેટ પ્રાઈસ 1,800 રૂપિયા રાખી છે. રિપોર્ટ મુજબ, કંપનીની ચોથી ત્રિમાસિક વૃદ્ધિ અંદાજ કરતા વધુ સારી રહી. કંપનીનો EBIT માર્જિન 16.6 ટકા રહ્યો હતો, જે અંદાજ કરતા વધુ છે. બ્રોકરેજે જણાવ્યું કે, FY26 માં કંપનીનું રોકાણ પર વળતર (RoE) 16.5 ટકા રહ્યું હતું.

કોફોર્જના શેરમાં મંગળવારે જોરદાર તેજી જોવા મળી હતી. માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી શેર આશરે 9.45 ટકા ઉછળીને 1280.40 રૂપિયા પર પહોંચી ગયો હતો. ઘણા બ્રોકરેજ ફર્મ્સે શેરમાં આગળ 50 ટકાથી લઈને 88 ટકા સુધીના વળતરની સંભાવના વ્યક્ત કરી છે.