
ઘણા લોકો વાટને સામાન્ય કચરો સમજીને ડસ્ટબિનમાં ફેંકી દે છે. જો તમે પણ એવું કરતા હોવ તો રોકાઈ જાઓ. શાસ્ત્રોમાં પૂજા સાથે જોડાયેલી નાની-નાની વસ્તુઓના વિસર્જનના ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. બચેલી વાટને સીધી કચરામાં ફેંકવી એ માત્ર ધાર્મિક રીતે અયોગ્ય નથી માનવામાં આવતું પરંતુ તેનાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, ધર્મશાસ્ત્ર અનુસાર બચેલી વાટનું શું કરવું જોઈએ.

ધર્મશાસ્ત્ર અનુસાર, જ્યારે આપણે કોઈ વાટને ઘી કે તેલમાં પલાળીને મંત્રો અને શુદ્ધ ભાવ સાથે પ્રગટાવીએ છીએ, ત્યારે તેમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તે વાટ ભગવાન સમક્ષ સમર્પિત થઈ ચૂકી હોય છે. આવી પવિત્ર વસ્તુને પગમાં આવે તેવી જગ્યાએ અથવા ગંદકીમાં ફેંકવાથી દેવ દોષ અને પિતૃ દોષ લાગી શકે છે. આનાથી ઘરની બરકત અટકી શકે છે અને માનસિક તણાવ વધી શકે છે. જો તમારા ઘરે રોજ દીવો પ્રગટાવ્યા પછી વાટ બચી જતી હોય, તો તેને ફેંકવાને બદલે કેટલીક ખાસ રીતો અપનાવો.

તુલસી અથવા છોડના કુંડાની માટીમાં દબાવો: બચેલી વાટને એકત્રિત કરો અને ઘરના કોઈ પવિત્ર છોડ જેવા કે તુલસીના કુંડાની માટીમાં દબાવી દો. સમય જતાં તે માટીમાં જ ભળી જશે. બસ ધ્યાન રાખવું કે, તે સ્થાન પર કોઈનો પગ ન પડે.

પવિત્ર નદી કે જળાશયમાં પ્રવાહિત કરો: જો તમારા ઘરની નજીક કોઈ પવિત્ર નદી, તળાવ કે જળાશય હોય, તો અઠવાડિયા કે મહિનાભરની એકત્રિત કરેલી વાટોને ત્યાં વહેવડાવી (પ્રવાહિત કરી) દો.

અગ્નિદેવને સમર્પિત કરો: જો તમે નિયમિતપણે ઘરમાં કોઈ હવન કે કપૂર આરતી કરતા હોવ, તો આ બચેલી વાટોને તે હવનની અગ્નિમાં નાખી દો. આ વાટ પહેલેથી જ પૂજાનો ભાગ રહી ચૂકી હોવાથી, અગ્નિમાં તેનું ભસ્મીભૂત થવું સૌથી શુદ્ધ માનવામાં આવે છે.

રોજિંદી પૂજામાં બચેલી વાટો સિવાય અખંડ જ્યોતની વાટ માટે પણ કેટલાક નિયમો હોય છે. જો તમે નવરાત્રિ, દિવાળી કે કોઈ વિશેષ અનુષ્ઠાનમાં અખંડ દીવો પ્રગટાવ્યો હતો, તો તેની બચેલી વાટને ખૂબ જ સાચવીને રાખવી જોઈએ. આ વાટને ક્યારેય ઘરમાં આમ-તેમ ન છોડો. અનુષ્ઠાન પૂરું થયા પછી આ વાટને કોઈ વહેતી પવિત્ર નદીમાં વિસર્જિત કરવી જ સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે.
Published On - 8:06 pm, Sat, 11 July 26