
અમદાવાદ ટ્રાફિક પોલીસે બાળકોની સુરક્ષા માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. પોલીસ હવે અકસ્માતથી રક્ષણ આપવા બાળકોને હેલ્મેટ વિતરણ શરૂ કર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસ બાળકોને તો સુરક્ષિત કરશે પરંતુ હેલ્મેટ નહિ પહેરનારા માતા-પિતાને પણ જાગૃત કરી રહી છે. ટ્રાફિક પોલીસના હાથે હેલ્મેટ પહેરી રહેલા બાળકોને હેલ્મેટ મળવાની ખુશી તો છે પરંતુ તેમના માતા-પિતા ટ્રાફિકના નિયમને લઈને બેદરકાર પણ જોવા મળી રહ્યા છે. કારણ કે મોટી સંખ્યામાં વાલીઓ હેલ્મેટ વગર જ નજરે પડી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં હેલ્મેટ નહીં પહેરવાથી અકસ્માતમાં મૃત્યુનો આંકડો વધી રહ્યો છે જેથી પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની પણ અપીલ કરી છે. જેથી હવે ટ્રાફિક પોલીસે બાળકોને હેલ્મેટથી સલામત કરી તેમના પરિવારને જાગૃત કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

થોડા દિવસો પહેલા જ પૂર્વ વિસ્તારમાં બે વિદ્યાર્થીઓ એકટીવા લઈને નીકળ્યા હતા ત્યારે અકસ્માત થતાં એક વિદ્યાર્થીને મૃત્યુ નીપજ્યું હતું. તેવી જ રીતે એક પિતા પોતાના પુત્રને લઈને બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે એક સ્પીડબ્રેકર આવતા બાળક નીચે પડ્યો હતો અને ગંભીર ઈજા થતા તેમુ મૃત્યુ નીપજ્યું હતું.

આવા કિસ્સાઓને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા હવે બાળકોની સલામતી માટે ખાસ હેલ્મેટ અવરનેસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને બાળકો થકી તેમના વાલીઓને પણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી બાળકોની સલામતી માટે ટ્રાફિક પોલીસે અલગ અલગ જીઆઇડીસી અને કંપનીઓના સહયોગથી 7000 જેટલા હેલ્મેટ એકઠા કરી બાળકોને વિતરણ કરી એક અનોખો ઉદાહરણ પૂરું પાડ્યું છે.