જો આજે ઈન્દુલાલ યાજ્ઞિક હોત…. !
આજે ઈન્દુલાલ (Indulal Yagnik) એટલા માટે પણ યાદ આવે છે કે બીજા પક્ષો ભાજપના નરેન્દ્ર મોદી કે પ્રાદેશિક નેતાની સમકક્ષ કોઈ નેતાના અભાવથી નાસીપાસ છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરના 'ચાચા' (નહેરુ ચાચા) ની સામે એવા જ પ્રબળ લોકપ્રિય 'ચાચા' (ઈન્દુચાચા) ગુજરાતમાં થયા હતા!

આગામી વિધાનસભા ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદ કે નૂતન જનતા પરિષદના કોઈ ઉમેદવારો છે કે નહીં તેની તો જાણ, ચૂંટણીની તારીખ નક્કી થયા પછી જ ખબર પડશે પણ આ બંને પક્ષોના નેતા ઈન્દુલાલ યાજ્ઞિક આજે એટલા માટે યાદ આવે છે કે 1956થી તેઓ ગુજરાતના રાજકીય ક્ષેત્રના અડીખમ અને ધૂંવાધાર નેતા હતા. મહા-ગુજરાતીની લડતને માટે નેનપુરથી દોડીને આવ્યા અને મહાગુજરાત લાવીને જપ્યા. તેને માટે અનેકો શહિદ થયા અને પોતે પક્ષ આપ્યો તે મહાગુજરાત જનતા પરિષદ. જો કે તે પક્ષ ન હતો, મોરચો હતો. જેમ 1975ની ચૂંટણીમાં ‘જનતા મોરચો’ હતો, કેવી રીતે 1956માં જનતા પરિષદ હતી. બેમાં ફરક એટલો જ કે જનતા મોરચાએ સત્તા મેળવી અને પછી તેમાંથી જનતા પક્ષ બન્યો. પરિષદ એવું નસીબ લઈને આવી ન હતી. બલ્કે તેનો પક્ષ વેરવિખેર થઈ ગયો અને ઈન્દુલાલને ‘નૂતન જનતા પરિષદ’ રચવી પડી. આજે તો તેનું પાટિયું પણ નથી દેખાતું અને તેના સાથીદારો બીજા પક્ષમાં ભળી ગયા.
આજે ઈન્દુલાલ એટલા માટે પણ યાદ આવે છે કે બીજા પક્ષો ભાજપના નરેન્દ્ર મોદી કે પ્રાદેશિક નેતાની સમકક્ષ કોઈ નેતાના અભાવથી નાસીપાસ છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરના ‘ચાચા’ (નહેરુ ચાચા)ની સામે એવા જ પ્રબળ લોકપ્રિય ‘ચાચા’ (ઈન્દુચાચા) ગુજરાતમાં થયા હતા!
માની લો કે આજે ઈન્દુલાલ યાજ્ઞિક હોત (50-60 વર્ષનો) હોત તો શું કર્યું હોત?
– નરેન્દ્ર મોદીને પાકું સમર્થન આપ્યું હોત? – કે તેમની વિરુદ્ધમાં વેરવિખેર પક્ષો અને સંગઠનોને ભેગા કર્યા હોત અને ફરી વાર મોરચો ઉભો કર્યો હોત? – કે કોંગ્રેસીના નેતા તરીકે સ્થાપિત થઈને, ખડકે જેવાને અધ્યક્ષ બનવા દેવાને બદલે પોતે પ્રમુખ બન્યા હોત? – રાહુલ ગાંધીને “બેસ, બેસ, બચ્ચા, હું તો તારા નાનીના બાપ સમયનો નેતા છું” એવું કહીને પ્રભાવ સમાપ્ત કરી નાખ્યો હોત? – કે પછી, વર્તમાન રાજકારણને છોડીને (તેમના આત્મકથાના અંતિમ પ્રકરણમાં કહ્યું છે તેમ) રચનાત્મક એકાંતમાં ચાલ્યા ગયા હોત?
આ પ્રશ્ન ભૂતકાળને વર્તમાનની સાથે જોડી દે છે. ઈન્દુલાલનું નેતૃત્વના હોત તો ગુજરાત રાજ્યની સ્થાપના વધુ લંબાઈ ગઈ હોત એ તો સાવ નક્કી છે. આ અલગારી જીવે એકવાર પોતાની પત્નીને અન્યાય કર્યો પછી પરણ્યા નહીં તેનો નિખાલસ એકરાર તેમણે પોતાની આત્મકથામાં કર્યો છે. હા, તેમની સ્ત્રીઓ પ્રત્યેની ભાવના અને મૃદુતા પણ એવો જ મોટો હિસ્સો તેમના જીવનનો રહ્યો. એ કનૈયાલાલ મુનશી તો ના બન્યા, ઈન્દુલાલ તરીકે સ્થાપિત રહ્યા. તેમની આત્મકથાના તમામ ભાગ ગુજરાતના રાજકીય મહામંથનનો અદ્ભુત, ઐતિહાસિક દસ્તાવેજ છે. 2022માં જે ઉમેદવારો અને કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમના તો ઘણા તો તે વર્ષોમાં જન્મ્યા નહીં હોય અને કેટલાકે માત્ર નામ જ સાંભળ્યું હશે. તેમણે તે આત્મકથા વાંચવી જોઈએ.
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)