મહારાષ્ટ્રમાં “અચ્યુતમ કેશવમ” અને “શિવો અહમ..”!
બડબોલા સંજય રાઉતના જણાવ્યા પ્રમાણે વિધાનસભા અધ્યક્ષે રાહુલ નારવે સાથે કેન્દ્રના કાયદામંત્રીની બેઠક થઈ હતી ને ત્યાંજ કશુક રંધાયું હતું. સો વાતની એક વાત એ થઈ કે એકનાથ એકલા સાચા સત્તા-સૈનિક સાબિત થયા
હું નહિ. તું નકલી એવી વાર્તા ભારતીય રાજકારણમાં (Politics) વારંવાર થતી રહી છે અને દરેક સમયે છેલ્લો આશરો અદાલત રહી. છેક કોંગ્રેસથી તેની શરૂઆત થઈ તે હવે શિવસેના (Shivsena) સુધી આવીને અટકી છે. એકાદ વર્ષથી શિવસેના સાચી કોણ એ સવાલ સત્તારોહણના વમળમાં છેવટનો જવાબ મેળવવા કોશિશ કરી અને નક્કી થઈ ગયું કે એકનાથ શીંદની સરકાર બરકરાર રહેશે, જો કે આ “અમે સોળ” ધારાસભ્યોએ લાયક કે ગેરલાયક એ સવાલ અદ્ધર લટકેલો રહ્યો છે.
પણ મહારાષ્ટ્રના “અઘાડી: રાજકારણ”નું ચક્કર અજબ છે. દેશના (કેટલાકના માટે દુનિયાના!) મોટા રાજકીય ખેલાડી શરદ રાવ પવારે હાથ પાછા ખેંચી લેવા પડ્યા તેના મૂળમાં ઉદ્ધવ ઠાકરે સરકાર નાકામ નીવડી તેનો આઘાત હતો. ભત્રીજાને તેના સ્થાને બેસાડી ના શકવામાં પવાર લાચાર હતા. ઉદ્ધવે તો વિના સલાહ રાજીનામું આપી દીધું તે અઘાડી સરકારના શરદ પવાર મોટાભા હતા.
એમાં કશું નીપજયું નહિ અને રાષ્ટ્રીય પાર્ટીમાં જ ભાગલા પડે તેવી પરિસ્થિતિને ટાળવા શરદ રાવે રાજીનામું આગળ ધરી દીધું, પણ બે દિવસ પછી “કાર્યકર્તાની લાગણીને માન આપીને” પાછું ખેંચી લીધું. ત્યારે રાવને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો કોઈ અણસાર આવી ગયો હશે?
બડબોલા સંજય રાઉતના જણાવ્યા પ્રમાણે વિધાનસભા અધ્યક્ષે રાહુલ નારવે સાથે કેન્દ્રના કાયદામંત્રીની બેઠક થઈ હતી ને ત્યાંજ કશુક રંધાયું હતું. સો વાતની એક વાત એ થઈ કે એકનાથ એકલા સાચા સત્તા-સૈનિક સાબિત થયા અને તેમની સરકાર ટકી ગઈ છે. આનાથી લોકોના ચિત્તમાં અસલી સેના તો શીંદેની કહેવાય એવું ઠસી ગયું. ઉદ્ધવ અને શરદ પવાર માટે લગભગ અચ્યુતમ કેશવમ સાબિત થઈ ગયું.
બાળાસાહેબના વારસદાર પ્રમાણિત ના થયા, તે આડકતરી રીતે અદાલત ના ચુકાદામાં જ કહેવાયું છે. ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરાવ્યા સિવાય જ તેણે પોતાની સરકારનું રાજીનામું આપી દીધું, હવે તેનું પુન:સ્થાપન થાય કઈ રીતે? જો કે અદાલતે રાજયપાલના પગલેને અનુચિત ઠેરવ્યું છેન એટ્લે આ “અમે સોળ”નો ચુકાદો છ ન્યાયમૂર્તિઓની નવી બેન્ચ કરશે, ત્યાં સુધી બધુ ઇધર ભી, ઉધર ભી રહેશે. એટ્લે શિવસેના માટે બંને છાવણી “શિવો અહમ” નો ખેલ પડી શકે છે.
આ પણ વાંચો: “રાજ” વિનાના “રાજા” અને “રાણી”!
એક વાત સાચી કે “સામના”માં કઈંક એવું લખાયું છે કે શરદ રાવ જેવા મોટા નેતા પણ રાજકીય ઉત્તરાધિકારી નક્કી ના કરી શક્યા. બીજી તરફ એવો અહેવાલ આવ્યો કે રાઉત શિવસેના છોડીને શરદ રાવની એનસીપીમાં જોડાઈ શકે છે. પણ આ અહેવાલો ચુકાદા પહેલાના છે.
ચુકાદા પછી રાજયનું રાજકારણ વધુ વિચિત્ર બનશે, એવું લાગે છે. શરદ રાવે તો મે મહિનાના કાળઝાળ ઉનાળામાં જ શરદોત્સવને સંકેલી લીધો છે, પણ તેનો અર્થ એ નથી કે તેઓ શાંત રહેશે. ખરેખર તો પરિસ્થિતિ જ એવી બની છે કે બાળાસાહેબ ને સ્વર્ગમાં પણ દંડો ઉઠાવવાનું મન થતું હશે!
અચ્યુતમ.. થી શિવો અહમ અને શરદોત્સવ સમાપ્તિ સુધીની કહાણી પૂરી થઈ નથી. “મહારાષ્ટ્ર દિવસ”ના દસ અગિયાર દિવસ પૂરા થયા પછીની રાજકીય અફરાતફરી હજુ વધુ જોવા મળશે.
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)