
ખેડૂતોમાં ચર્ચાઈ રહેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર કેન્દ્ર સરકારે અંતિમ શબ્દ કહી દીધા છે. શું PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક સહાય રકમ ₹6,000 થી વધારીને ₹12,000 કરવામાં આવશે? — આ પ્રશ્નનો જવાબ રાજ્યસભામાં રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે 12 ડિસેમ્બર, 2025ના રોજ આપ્યો.
ડિસેમ્બર 2024માં સંસદીય સ્થાયી સમિતિએ વર્તમાન મોંઘવારી અને ખેડૂતોના ખર્ચને ધ્યાનમાં રાખીને સહાય રકમ ₹12,000 કરવાની ભલામણ કરી હતી. પરંતુ સરકારએ સ્પષ્ટ કહ્યું છે કે સહાય બમણી કરવાની કોઈ યોજના હાલ વિચારાધિન નથી. આ સાથે ખેડૂતોમાં ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે.
સાંસદ સમીરુલ ઇસ્લામે પ્રશ્ન ઉઠાવ્યો કે PM કિસાનના હપ્તા મેળવવા કિસાન આઈડી ફરજિયાત છે કે કેમ? જવાબમાં રાજયમંત્રી રામનાથ ઠાકુરે સ્પષ્ટતા કરી કે કિસાન આઈડી માત્ર નવી નોંધણી માટે ફરજિયાત છે, તે પણ ફક્ત 14 રાજ્યોમાં, જ્યાં ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે જ્યાં હજી આ પ્રક્રિયા શરૂ નથી, ત્યાં કિસાન આઈડી વિના પણ ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકે છે.
ફેબ્રુઆરી 2019માં શરૂ કરાયેલી આ કેન્દ્રીય યોજના હેઠળ ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની સહાય આપવામાં આવે છે.
આ રકમ DBT દ્વારા ત્રણ હપ્તામાં—દરેક ₹2,000—ખેડૂતના આધાર-લિંક્ડ બેંક ખાતામાં જમા થાય છે. નોંધનીય છે કે આ યોજના ફક્ત જમીન માલિક ખેડૂતો માટે છે અને કેટલાક આર્થિક રીતે સક્ષમ વર્ગોને બાકાત રાખવામાં આવ્યા છે.
સરકારના આંકડા મુજબ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 21 હપ્તાઓમાં ₹4.09 લાખ કરોડની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે. આ યોજના દેશની સૌથી મોટી Direct Benefit Transfer (DBT) યોજનાઓમાંની એક બની ગઈ છે.
ખેડૂતો તેમના નામ PM કિસાન લાભાર્થી યાદીમાં સરળતાથી ચકાસી શકે છે. તે માટે સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર ‘Farmer Corner’ વિભાગમાં Beneficiary List વિકલ્પ પસંદ કરવો અને રાજ્ય–જિલ્લો–બ્લોક–ગામની માહિતી દાખલ કરવી પૂરતી છે.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.