છેલ્લા એક મહિનામાં રાજસ્થાનમાં જમીન ધસવાની બે ઘટનાઓ સામે આવી છે, જેના કારણે ભૂસ્તરશાસ્ત્રીઓની સાથે-સાથે સામાન્ય લોકો પણ ચોંકી ઉઠ્યા છે. આ બંને ઘટનાઓ રણ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં બની હતી. તેથી શંકા વધારે છે કે શું બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે ?
16 એપ્રિલ, 2024ના રોજ બિકાનેર જિલ્લાના લુંકરનસર તાલુકાના સહજરાસર ગામમાં રાતના લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ અચાનક દોઢ વીઘા જમીનમાં ખાડો પડ્યો હતો. ઘટના સમયે ત્યાંથી મુસાફરો ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. જેને ટ્રેક્ટરની મદદથી બચાવી લેવામાં આવી હતી. જમીન ધસી જવાને કારણે અહીં લગભગ 70 ફૂટ ઊંડો ખાડો પડ્યો હતો. જે હવે તે વધીને 80-90 ફૂટ જેટલો ઉંડો થઈ ગયો છે.
બીજી ઘટના 6 મે, 2024 ના રોજ બાડમેર જિલ્લાના નાગાણા ગામમાં બની હતી. જ્યાં લગભગ દોઢ કિલોમીટરના વિસ્તારમાં જમીનમાં બે સમાંતર તિરાડો પડી છે. થારના રણના બે જિલ્લામાં બની રહેલી આ ઘટનાઓ અંગે ભૂસ્તરશાસ્ત્રની ટીમે તેનો પ્રાથમિક અહેવાલ વહીવટી તંત્રને સુપરત કરી દીધો છે, પરંતુ સવાલ એ છે કે રણ વિસ્તારોમાં થઈ રહેલી આ ભૂગર્ભીય હિલચાલ પાછળના કારણો શું છે ?
ભૂગર્ભજળના આડેધડ શોષણને કારણે જમીનની કોખ સુકાઈ રહી છે. ભવિષ્યમાં તેના ભયાનક પરિણામો ભૂસ્તરશાસ્ત્રીય ઘટનાઓના સ્વરૂપમાં પણ જોવા મળી શકે છે. રાજસ્થાનના સહજરાસર ગામમાં લગભગ એક મહિના પહેલા પડેલા વિશાળકાય ખાડાએ જ આ ખતરાની ચેતવણી સંભળાવી દીધી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, GSI (જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા)એ સહજરાસર અને નાગણા ગામમાં બનેલી બંને ઘટનાઓ માટે અતિશય ભૂગર્ભજળના શોષણ અને ઓછા વરસાદને મુખ્ય કારણ ગણાવ્યું છે. 24 એપ્રિલના રોજ જયપુરથી લેન્ડ સર્વે ઓફ ઈન્ડિયાની ત્રણ સભ્યોની ટીમ તપાસ માટે આવી હતી. તેમણે ત્રણ દિવસની તપાસ બાદ પ્રશાસનને રિપોર્ટ સોંપ્યો હતો. જો કે, સત્તાવાર રીતે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પ્રાથમિક અહેવાલ વહીવટીતંત્રને સુપરત કરવામાં આવ્યો છે. ત્યારે આગામી થોડા દિવસોમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવશે, જેમાં સેટેલાઇટ ઇમેજ, પાણી અને અન્ય તકનીકી તથ્યોના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
GSIના અધિકારીઓેને ભૂસ્તરશાસ્ત્રીય ક્ષેત્રના અવલોકનો અને ભૂગર્ભજળના વિશ્લેષણ બાદ આ વિસ્તારમાં વરસાદ અને અન્ય સંબંધિત ડેટાના આધારે જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં ભૂગર્ભજળનો ઘટાડો ખૂબ જ વધારે થયો છે. ભૂસ્તરશાસ્ત્રીયોના મતે આ જગ્યાએ એક સમયે જમીનની નીચે પાણીનો કુદરતી સ્ત્રોત હોવો જોઈએ, જે પછી તે સુકાઈ ગયો અને શૂન્યાવકાશ સર્જાયો. તેના કારણે અચાનક જમીન ધસી હોઈ શકે. જમીન ધસી પડવાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
GSIના પ્રાથમિક અહેવાલમાં પણ આ પ્રદેશમાં ઓછો વરસાદ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, જળ સંસાધન વિભાગ દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા ચોમાસાના અહેવાલ મુજબ, છેલ્લા 30 વર્ષમાં જે વિસ્તારમાં જમીન ધસી છે ત્યાં સરેરાશ વરસાદમાં 17.4 મિલીમીટરનો વધારો થયો છે. જળ સંસાધન વિભાગે સમગ્ર રાજસ્થાનમાં 30 વર્ષના વરસાદના આંકડાઓનું વિશ્લેષણ કરીને વર્ષ 2022માં સરેરાશ વરસાદના આંકડા જાહેર કર્યા હતા. બિકાનેર જિલ્લામાં સરેરાશ વરસાદ 229.6 mm થી વધીને 247 mm થયો છે.
બિકાનેર જિલ્લામાં વર્ષ 2023માં 321.78 mm વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતા 30.27 ટકા વધુ છે, જ્યારે લુણકારણસરમાં આ વર્ષે 240 mm વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતા 2.8 ટકા ઓછો છે. 2022માં 371 mm એટલે કે સરેરાશ કરતા 50.2 ટકા વધુ વરસાદ થયો હતો. 2021માં 299 mm વરસાદ નોંધાયો હતો, પરંતુ 2020માં તે ઘટીને માત્ર 96 mm થયો હતો. લુંકરનસરમાં 2019માં 238 મીમી વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે સમગ્ર બિકાનેર જિલ્લામાં સામાન્ય કરતાં 8.9 ટકા ઓછો વરસાદ થયો છે.
વરસાદના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ઓછો વરસાદ જમીન ધસવાનું કારણ બની શકે નહીં. જો કે સરેરાશ વરસાદમાં વધારો થવા છતાં આ વિસ્તારમાં પાણીની તંગી છે. મતલબ કે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી. આ વિસ્તારમાં 150 મીટર અંડરગ્રાઉન્ડ સુધી તો રેતી જ છે. GSI અધિકારીઓ દ્વારા મોકલવામાં આવેલ રિપોર્ટમાં ભૂગર્ભ જળના વધુ પડતા શોષણની વાત કરવામાં આવી છે.
જો કે, સહજરાસરના લોકો પાણીના શોષણ મુદ્દે સહમત નથી. કારણ કે ગામમાં માત્ર ચાર જ બોરવેલ છે. જેમાં માત્ર બે જ ચાલુ છે, જ્યારે બાકીના બે બંધ છે. કારણ કે આ બોરનું પાણી ખારું છે. આથી આ પાણી ખેતી માટે પણ ઉપયોગી નથી. ભૂગર્ભજળ 400 ફૂટ નીચે છે. નજીકના ગામડાઓમાં પણ બોરવેલ કે હેન્ડપંપ નથી. આવી સ્થિતિમાં બહારથી જ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ખેતી પણ ચોમાસામાં જ થાય છે. લોકોનું કહેવું છે કે, ભૂગર્ભજળના અતિશય શોષણ અંગે વહીવટીતંત્ર અને GSIના દાવાઓ સમજની બહાર છે.
બિકાનેરની ઘટનાના લગભગ 20 દિવસ પછી બાડમેર જિલ્લાના નાગાણા ગામમાં લગભગ દોઢ કિલોમીટર જેટલા વિસ્તારમાં જમીનમાં બે સમાંતર તિરાડો પડી હતી. આ ઘટના અહીં ક્રૂડ ઓઈલ કાઢવાના મંગળા પ્રોસેસિંગ ટર્મિનલના કૂવા નંબર 6 અને 7 વચ્ચે બની હતી.
બે તિરાડો વચ્ચેની પહોળાઈ 6-7 મીટર છે. બાડમેર જીએસઆઈ ઓફિસરના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ મુજબ ઘટનાનું કારણ પાણી હતું. 2005માં કવાસ વિસ્તારમાં પૂર આવ્યું હતું. આ વિસ્તારમાં જમીનની નીચે ખનિજ તરીકે પુષ્કળ પ્રમાણમાં મુલતાની માટી જોવા મળે છે. પૂરનું પાણી આ જમીનમાં ભળી ગયું હતુ. શોષી લીધું જેના કારણે જમીનની નીચે ખાલી જગ્યા સર્જાઈ છે. ત્યારે આ ઘટનાને 18-19 વર્ષ થતાં પાણી શોષાઈ ગયું હોવાથી જમીન ઉપર તિરાડો દેખાવા લાગી છે.
આ ઉપરાંત સ્થાનિક લોકો ક્રૂડ ઓઈલ કાઢતી કંપની મંગલા પર ભૂગર્ભ તેલના વધુ પડતા શોષણનો આરોપ લગાવી રહ્યા છે. તેલ કાઢવા માટે ડ્રિલિંગને કારણે જમીનમાં તિરાડ પડતી હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. જો કે, પ્રાથમિક રિપોર્ટમાં આ વાત સામે આવી નથી. જો તિરાડો વધશે તો આ એંગલથી પણ તપાસ કરવામાં આવી શકે છે.