કેન્દ્ર સરકાર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાની દિશામાં પગલું ભરવા તરફ જઈ છે અને કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીના ટ્વીટ બાદ સર્વત્ર ‘વન નેશન વન ઈલેક્શન’ની ચર્ચા છે. મોદી સરકારે સપ્ટેમ્બર મહિનામાં સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, અને એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના પણ કરી છે, જેનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. પરંતુ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની આ ફોર્મ્યુલા નવી નથી, દેશ આઝાદ થયો ત્યારે પણ આવું થતું હતું.
ભારતમાં અત્યાર સુધીમાં ચાર વખત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, તે દરમિયાન કેવા પરિણામો આવ્યા અને ક્યા પક્ષને ફાયદો થયો.
ભારતને 1947માં આઝાદી મળી અને દેશમાં પ્રથમ વખત 1951-52માં ચૂંટણી યોજાઈ. આઝાદી પછીની પ્રથમ ચાર લોકસભા-વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી. 1952, 1957, 1961 અને 1967માં એક સાથે ચૂંટણી યોજાઈ હતી, તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસને બમ્પર ફાયદો થયો હતો. કેન્દ્ર સિવાય મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસની આગેવાની હેઠળ સરકાર બની હતી, કારણ કે તે સમયે દેશની એકમાત્ર મુખ્ય પાર્ટી હતી અને બાકીના બધા જ ક્ષત્રપ તરીકે લડી રહ્યા હતા.
1952 લોકસભા ચૂંટણી | કુલ બેઠક – 489 | કોંગ્રેસ – 364 | સીપીઆઈ – 16 | સોશ્યાલિસ્ટ પાર્ટી – 12 |
1957 લોકસભા ચૂંટણી | કુલ બેઠક – 494 | કોંગ્રેસ – 371 | સીપીઆઈ – 27 | પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટી- 19 |
1962 લોકસભા ચૂંટણી | કુલ બેઠક – 494 | કોંગ્રેસ – 361 | સીપીઆઈ – 29 | સ્વતંત્ર પાર્ટી – 18 |
1967 લોકસભા ચૂંંટણી | કુલ બેઠક – 520 | કોંગ્રેસ – 283 | સ્વતંત્ર પાર્ટી – 44 | ભારતીય જનસંઘ – 35 |
દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની આ પ્રક્રિયા 1967 પછી જ બંધ થઈ હતી, જેની શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈ હતી. જ્યાં વિધાનસભાની ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી ના મળી, અહીં ગઠબંધન સરકાર બની, પરંતુ સરકાર થોડા દિવસો પછી પડી ગઈ. આ કારણે ફરી ચૂંટણીની સ્થિતિ બની, આ સિવાય 1971માં લોકસભાની ચૂંટણી સમય પહેલા યોજાઈ હતી, આ જ કારણ હતું કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાની પ્રક્રિયાનો અંત આવી ગયો હતો.