ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાનો હાહાકાર, 111 મોત, CM યોગીના તાત્કાલિક રાહત આદેશ

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું, ભારે વરસાદ અને વીજળીના કડાકાએ ભારે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં 26 જિલ્લાઓમાં 111 લોકોના મોત થયા છે.

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાનો હાહાકાર, 111 મોત, CM યોગીના તાત્કાલિક રાહત આદેશ
| Updated on: May 14, 2026 | 11:11 PM

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું, ભારે વરસાદ, કરા અને વીજળીના કડાકાએ ભારે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 26 જિલ્લાઓમાં ખરાબ હવામાનના કારણે 111 લોકોના મોત થયા છે, જ્યારે 72 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ 170 પશુઓના મોત થયા છે અને 227 જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે.

સૌથી વધુ જાનહાનિ પ્રયાગરાજ જિલ્લામાં નોંધાઈ છે, જ્યાં 21 લોકોના મોત થયા છે. ત્યારબાદ મિર્ઝાપુરમાં 19, ભદોહી (સંત રવિદાસ નગર)માં 16 અને ફતેહપુરમાં 11 લોકોના મોત નોંધાયા છે. અચાનક આવેલા વાવાઝોડા અને વીજળીના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી Yogi Adityanathએ તમામ વિભાગીય કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટોને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાની સૂચના આપી છે. તેમણે અસરગ્રસ્ત પરિવારોની ચકાસણી કરીને આગામી 24 કલાકમાં રાહત સહાય પહોંચાડવાનો આદેશ આપ્યો છે. સાથે જ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારો સાથે સીધો સંપર્ક કરીને જરૂરી મદદ પૂરી પાડવા પણ જણાવ્યું છે.

રાહત કમિશનર ડૉ. હૃષિકેશ ભાસ્કર યશોદેએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને લોકોને તાત્કાલિક સહાય પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યના કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા અગાઉથી ચેતવણી જાહેર કરવામાં આવી હતી. સચેત પોર્ટલ મારફતે લગભગ 346.4 મિલિયન રેડ અને ઓરેન્જ એલર્ટ સંદેશાઓ લોકોને મોકલવામાં આવ્યા હતા. રાજ્ય આપત્તિ હેલ્પલાઇન નંબર 1070 પર મળતી ફરિયાદોનું પણ તાત્કાલિક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીએ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓને પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત કામગીરીની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને રાહત ભંડોળનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે રાહત કામગીરીમાં બેદરકારી દાખવનાર કોઈપણ અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Breaking News : ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાએ તબાહી મચાવી, 74ના મોત

Follow Us