UP Local Body Election: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) બાદ હવે 36 જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયુ છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ સમાજવાદી પાર્ટી હવે પોતાના અસ્તિત્વને બચાવવામાં લાગી ગઈ છે. જો કે ગાઝીપુરમાં ભાજપને જોરદાર હાર આપીને અહીં બધી સીટ તે જીતી હતી. આ જીત બાદ ફરી એકવાર સજ્જ થયેલી પાર્ટીએ ભોલાનાથ શુક્લાના સથવારે ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું, બુધવારે સમાજવાદી પાર્ટીનાં ઉમેદવારે ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લેતા પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જિલ્લા અધિકારી મંગાલા પ્રતાપ સિંહે જણાવ્યુ કે સમાજવાદી પાર્ટીનાં અધિકૃત ઉમેદવાર ભોલાનાથ શુક્લા સાથે દેવેન્દ્ર સિંહે પોતાનું ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લીધુ હતું. હવે ગાઝીપુર MLC ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર વિશાલ સિંહ ચંચલ સામે માત્ર એક અપક્ષ ઉમેદવાર જ ટક્કરમાં રહેશે. હાલમાં MLC ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 24 માર્ચ રાખવામાં આવી છે.
ઉમેદવારીનાં દિવસે ભોલાનાથ શુક્લાએ નિવેદન આપ્યુ હતું કે કોઈ બહારનું નથી કેમકે ભારતમાં તમામને ચૂંટણી લડવાનો અધિકાર છે. આ અધિકાર હેઠળ જ તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. તે ભાજપ મુક્ત જિલ્લો બનાવશે, તેમણે ઉમેર્યુ હતું કે કાશ્મીરમાં પણ હવે તો ચૂંટણી લડી શકાય છે. જો કે હવે તેમણે ખરા સમયે ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લેતા તેમના નિવેદનની હવા નિકળી ગઈ હતી.
જણાવી દઈએ કે પાછલી 21 માર્ચે ભદોહી જિલ્લાનાં રેહવાસી ભોલાનાથ શુક્લાએ પુરા તામઝામ સાથે પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કર્યુ હતું. જો કે અચાનક જ ભોલાનાથ શુક્લાએ પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લેતા ભાજપની છાવણીમાં આનંદનું મોજુ ફરી વળ્યુ હતું. હવે જે પ્રકારે સમીકરણો રચાયા છે તે મુજબ ભાજપનાં ઉમેદવાર કોઈ પણ પ્રકારના વિરોધ વગર જીત નોંધાવી શકે છે.
Published On - 7:50 am, Thu, 24 March 22