ભારતીય ઈતિહાસમાં મહારાણા પ્રતાપનું નામ બહાદુરી અને સાહસના પ્રતીક તરીકે લેવામાં આવે છે. તેઓ મેવાડના રાણા હતા. મહારાણા પ્રતાપ એક યોદ્ધા હતા જેમણે મુઘલ સામ્રાજ્ય સામે લાંબા સમય સુધી લડત આપી હતી. તેમના વંશજો હજુ પણ ઉદયપુરમાં રહે છે અને તેમના વારસાને ટકાવી રાખ્યો છે, પરંતુ આ વારસાની સાથે મિલકતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં આ વિવાદ કેમ વકર્યો છે, વિવાદનું મૂળ શું છે અને મહારાણા પ્રતાપના વંશજ કોણ છે તેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું.
મહારાણા પ્રતાપના વંશજો અને મેવાડના રાજવી પરિવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ રસ્તા પર આવી ગઈ છે. ઉદયપુરના રાજવી પરિવારમાં વિશ્વરાજસિંહ મેવાડના રાજ્યાભિષેક સમારોહને લઈને 25 નવેમ્બરે જે હંગામો થયો હતો તે સમગ્ર દેશે જોયો હતો. વિશ્વરાજસિંહના રાજ્યાભિષેક બાદ રાજવી પરિવારના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઉદયપુરના સિટી પેલેસની બહાર પથ્થરમારો શરૂ થયો, વિશ્વરાજસિંહના સમર્થકો પર કાચની બોટલો ફેંકવામાં આવી. પરિસ્થિતિ વણસતી જોઈને પ્રશાસને ચાર્જ સંભાળ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
મેવાડના પૂર્વ શાહી પરિવારના મહારાણા મહેન્દ્રસિંહ મેવાડનું 10 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. આ પછી ચિત્તોડગઢના ઐતિહાસિક ફતહ પ્રકાશ મહેલમાં 25 નવેમ્બરના રોજ તેમના એકમાત્ર પુત્ર વિશ્વરાજસિંહ મેવાડની પાઘડી દસ્તુર એટલે કે રાજ્યાભિષેક સમારોહ યોજાયો હતો.
રાજ્યાભિષેક સમારોહ બાદ ઉદયપુર સિટી પેલેસમાં આવેલ રાજ પરિવારના કુળદેવી ધૂણી માતા અને એકલિંગજી મંદિરના દર્શન કરવાની પરંપરા છે. આ ધાર્મિક વિધિ માટે વિશ્વરાજસિંહ તેમના સમર્થકો સાથે ચિત્તોડગઢથી ઉદયપુર જવા રવાના થયા હતા. જ્યાં તેમને ઉદયપુરના સિટી પેલેસમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષે પથ્થરમારો થયો હતો. જે બાદ વિવાદ શરૂ થયો હતો. જો કે, ઉદયપુરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વિવાદમાં આખરે વિશ્વરાજસિંહે ધૂણી અને એકલિંગનાથના દર્શન કર્યા હતા.
મંદિર અને સિટી પેલેસ બંને મહેન્દ્રસિંહના નાના ભાઈ અને વિશ્વરાજસિંહના કાકા અરવિંદસિંહના નિયંત્રણ હેઠળ છે, જેઓ ઉદયપુરમાં શ્રી એકલિંગજી ટ્રસ્ટના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી છે. ત્યારે હવે જાણીશું કે, વિશ્વરાજસિંહના પિતા મહેન્દ્રસિંહ અરવિંદસિંહ કરતા મોટા હતા, તો પછી આ સંપત્તિના માલિક નાના ભાઈ અરવિંદસિંહ કેવી બન્યા.
વર્ષ 1930થી 1955 સુધી ભૂપાલસિંહ મેવાડ રાજ્યના મહારાણા હતા, તેમને કોઈ સંતાન નહોતું અને તેથી તેમણે ભગવતસિંહ મેવાડને દત્તક લીધા હતા. ભૂપાલસિંહે એપ્રિલ 1955માં તેમના જીવનના અંતિમ દિવસોમાં એકલિંગજી ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ભગવતસિંહના પરિવારમાં બે પુત્રો મહેન્દ્રસિંહ અને અરવિંદસિંહ અને એક પુત્રી યોગેશ્વરી હતી.
સંપત્તિ વિવાદ વર્ષ 1983માં શરૂ થયો હતો, જ્યારે મહેન્દ્રસિંહ મેવાડ તેમના પિતા ભગવતસિંહ મેવાડ વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા.
કહેવાય છે કે ભગવતસિંહ મેવાડ પોતાની મિલકત વેચવા અને લીઝ પર આપવા લાગ્યા હતા. તેમના પુત્ર મહેન્દ્રસિંહ મેવાડને આ પસંદ ન આવ્યું અને તેઓ તેમની વિરૂદ્ધ કોર્ટમાં ગયા.
આનાથી ગુસ્સે થઈને ભગવંતસિંહે તેમની સંપત્તિ સંભાળવાની જવાબદારી તેમના નાના પુત્ર અરવિંદસિંહ મેવાડને આપી. આ રીતે મહેન્દ્રસિંહ મેવાડની મિલકત અને ટ્રસ્ટમાંથી બહાર થયા. ભગવતસિંહે 3 નવેમ્બર 1984ના રોજ દુનિયા છોડી દીધી અને ત્યાં સુધીમાં મિલકતનો નિર્ણય કોર્ટમાં પહોંચી ગયો હતો.
જ્યારે ઉત્તરાધિકારી બનવાનો સમય આવ્યો ત્યારે નાના ભાઈએ જવાબદારી સંભાળી અને મહેન્દ્રસિંહ બહાર થઈ ગયા. રાજપૂત સમાજનો એક વર્ગ મહેન્દ્રસિંહને વારસદાર માનતો હતો કારણ કે તે મોટા ભાઈ હતા, પરંતુ આર્થિક સામ્રાજ્ય અરવિંદસિંહ પાસે હતું. સમયની સાથે બંને વચ્ચેનું અંતર વધી ગયું અને મહેન્દ્રસિંહ એકલા પડી ગયા. તેમના મૃત્યુ પછી ફરી વારસદારનો પ્રશ્ન ઊભો થયો.
આ કેસની સુનાવણી 37 વર્ષ સુધી ચાલી અને 2020માં ઉદયપુર જિલ્લા કોર્ટમાં કેસનો ચુકાદો આપવામાં આવ્યો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે વિવાદિત મિલકતને ચાર ભાગમાં વહેંચવામાં આવશે. આમાં એક ભાગ મહારાણા ભગવતસિંહને અને બાકીના ત્રણ ભાગ તેમના પુત્ર અને પુત્રીમાં વહેંચવામાં આવશે.
કોર્ટના નિર્ણય સુધી લગભગ તમામ મિલકત અરવિંદસિંહ મેવાડ પાસે હતી કારણ કે મહેન્દ્રસિંહ અને તેમની બહેન યોગેશ્વરી કુમારીને બહુ ઓછો હિસ્સો મળ્યો હતો. કોર્ટે શંભુ નિવાસ પેલેસ, બડી પાલ અને ઘાસ ઘર જેવી મિલકતોની આર્થિક પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો હતો.
કોર્ટે કહ્યું કે જ્યાં સુધી વાસ્તવિક વિભાજન ન થાય ત્યાં સુધી ભગવતસિંહના ત્રણ બાળકો ચાર વર્ષ સુધી એક પછી એક શાહી સંપત્તિનો ઉપયોગ કરશે. કોર્ટના નિર્ણયનો અમલ થાય તે પહેલા જ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. 2022માં હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણય પર રોક લગાવી હતી અને કહ્યું હતું કે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ત્રણેય મિલકતો પર અરવિંદસિંહ મેવાડનો અધિકાર રહેશે. આ નિર્ણય અરવિંદસિંહ મેવાડ માટે મોટી રાહત તરીકે માનવામાં આવ્યો.
મેવાડના રાજવી પરિવારનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ લોકોને સિસોદિયા પણ કહેવામાં આવે છે. સિસોદિયા ભગવાન રામના પુત્ર લવના વંશજ હોવાનું કહેવાય છે. ભગવાન રામના પુત્ર લવને લાહોરનો રાજા બનાવવામાં આવ્યા હતા. પાછળથી ત્રીજી સદીમાં, ત્યાં રાજા કનકસેન હતા જેણે તેમની પત્ની વલભીના નામે વલભી શહેરની સ્થાપના કરી અને તેને તેની રાજધાની બનાવી. તેમને ચાર પુત્રો હતા. ચંદ્રસેન, રાઘવસેન, ધીરસેન, વીરસેન. ગુહિલ (સિસોદિયા) વંશ તેમના મોટા પુત્ર ચંદ્રસેનથી શરૂ થયો અને રાઘવ વંશ તેમના બીજા પુત્ર રાઘવ સેનથી શરૂ થયો.
ગુહિલ વંશની સ્થાપના ગુહિલ રાજા ગુહાદિત્ય દ્વારા ઈ.સ. 566માં કરવામાં આવી હતી. તે આ વંશના પ્રથમ રાજા હતા. આ પછી મહારાણા ઉદય સિંહ આ વંશના 48મા રાજા બન્યા. તેમણે 1531થી 1536 સુધી શાસન કર્યું. ત્યારબાદ તેમના પુત્ર મહારાણા પ્રતાપ સિંહે ગાદી સંભાળી. મહારાણા પ્રતાપ 1537થી 1572 સુધી રાજા રહ્યા. મહારાણા પ્રતાપ પોતે મેવાડ ઘરાનાના 54મા મહારાણા હતા. આ પછી આ વંશના 19 રાજાઓએ શાસન કર્યું. તમને જણાવી દઈએ કે વિશ્વરાજસિંહને મહારાણા પ્રતાપના વંશજ તરીકે મેવાડના 77મા મહારાણા તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે.
દેશમાં રાજાશાહીનો અંત આવ્યો, રાજાઓ અને રાજકુમારો પાસેથી તેમના અધિકારો છીનવાઈ ગયા, પરંતુ મેવાડ રાજવી પરિવાર આજે પણ રાજવી પરિવારની પરંપરાને અનુસરી રહ્યું છે. જો કે, આ પરિવારમાં પરંપરાગત રિવાજો લડાઈનું કારણ બની ગયા છે.