
કેન્દ્રની મોદી સરકારે ઉત્તરાખંડમાં બે રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રોપ વે સેવાથી કેદારનાથ અને હેમકુંડ સાહિબને જોડવામાં આવશે, જેના કારણે હવે લોકોને પર્વતીય વિસ્તારમાં લાંબા અને મુશ્કેલ ચઢાણમાંથી રાહત મળશે. કેન્દ્રીય કેબિનેટે યાત્રાળુઓ માટે ઝડપી, ઇકો-ફ્રેન્ડલી પરિવહન પ્રદાન કરવા માટે રૂ. 7,500 કરોડના બે રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સોનપ્રયાગને કેદારનાથ સાથે અને ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબને રોપ-વે પ્રોજેક્ટ દ્વારા જોડવામાં આવશે. ભારતમાં રોપ-વે પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. રોપ-વે દ્વારા પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં યાત્રા-મુસાફરીને વધુ સરળ બનાવવાનો સરકારનો પ્રયાસ છે.
ભારતમાં લગભગ 22 ટકા જમીન પર્વતીય વિસ્તારોમાં છે. ઝડપી શહેરીકરણ અને વધતી જતી વસ્તી છતાં, રોપ-વેના વિકાસને હજુ પણ ઘણી હદ સુધી પ્રોત્સાહન આપવાનું બાકી છે. ભારતના પહાડી રાજ્યો રોપવે આધારિત વિકાસ માટે નોંધપાત્ર સામાજિક-આર્થિક સંભવિતતા હોવા છતાં રોપવેની દ્રષ્ટિએ સૌથી ઓછા વિકસિત છે.
કેન્દ્ર સરકાર માઉન્ટેન રેન્જ-નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા પર્વતીય વિસ્તારોમાં મુસાફરીને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં ભારતમાં માત્ર 85 થી 100 જેટલા રોપવે પ્રોજેક્ટ્સ અસ્તિત્વમાં છે, જેમાંથી મોટા ભાગના રાજ્ય સ્તરે છે. એટલે કે કોઈ એક જ રાજ્યમાં આવેલા છે.
જો રોપ-વે બનાવવાના ખર્ચની વાત કરીએ તો, પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ અહેવાલો અનુસાર એક કિલોમીટરનો રોપ-વે બનાવવા માટે લગભગ 45-75 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ રોપવેમં લગાવવામાં આવતી ટ્રોલીની સ્પીડ સામાન્ય રીતે 25 થી30 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. રોપવેની વિશેષતા એ છે કે તે, પર્વતીય અને ભીડવાળા શહેરી વિસ્તારોમાં ઓછા ખર્ચે પરિવહન માટે યોગ્ય છે. ઉપરાંત તેને બનાવવા માટે ઓછી જમીનની પણ જરૂર પડે છે. જો કે, તકનીકી દૃષ્ટિકોણથી, તેની જાળવણીમાં વધુ કાળજી લેવી પડતી હોય છે.
દેશમાં પ્રથમ વખત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વ જેવા વિસ્તારો માટે ‘પર્વતમાલા યોજના’ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પર્વતીય ક્ષેત્રમાં પરિવહન અને જોડાણની આધુનિક વ્યવસ્થા ઊભી કરવાનો છે. આનાથી દેશના સરહદી ગામડાઓનો વિકાસ થવાની સાથેસાથે આર્થિક અને સામાજીક રીતે મજબૂત થશે, જે રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવમાં આવે છે.