
દિલ્લી બ્લાસ્ટ પછી શુક્રવારે મોડી રાત્રે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં પણ બ્લાસ્ટ થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા અને 32 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શુક્રવારે મોડી રાત્રે નૌગામ પોલીસ સ્ટેશન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. આ વિસ્ફોટથી વ્હાઇટ-કોલર મોડ્યુલની તપાસ હાલ પુરતી પાટા પરથી ઉતરી ગઈ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર છેલ્લા બે અઠવાડિયાથી, બોનપોરામાં જૈશ દ્વારા પોલીસને ધમકી આપતા પોસ્ટરો બહાર આવ્યા હતા. જે બાદ આ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસનું મુખ્ય કેન્દ્ર નૌગામ પોલીસ સ્ટેશનને હતું. નૌગામ પોલીસ તપાસમાં એજન્સીઓને એક મોટા વ્હાઇટ-કોલર મોડ્યુલનો પર્દાફાશ થયો. ડોક્ટરો તરીકે ઓળખાતા કાવતરાખોરોએ કથિત રીતે ઔદ્યોગિક રસાયણોના સ્વરૂપમાં વિસ્ફોટકોનો સંગ્રહ કર્યો હતો.
જપ્ત કરાયેલા સામગ્રીને પરીક્ષણ માટે નૌગામ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી અને શુક્રવારે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી દિલ્હી વિસ્ફોટની તપાસ હાલ પુરતી ધીમી પડી ગઈ છે. જો કે, તપાસ એજન્સીઓ વ્હાઇટ-કોલર મોડ્યુલને પકડવા માટે દેશભરમાં દરોડા પાડી રહી છે.
ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા ક્વિન્ટલ વિસ્ફોટક પદાર્થોને નૌગામ પોલીસ સ્ટેશનમાં પરીક્ષણ માટે લાવવામાં આવ્યા હતા. શુક્રવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે, જ્યારે રાજ્ય તપાસ એજન્સી (SIA), ફોરેન્સિક સાયન્સ લેબ અને મહેસૂલ વિભાગની ટીમો નમૂનાઓ એકત્રિત અને પેકેજ કરી રહી હતી, ત્યારે પોલીસ સ્ટેશન પર જ વિસ્ફોટ થયો, જેનો અવાજ 10-15 કિલોમીટર દૂર સુધી સંભળાયો. વિસ્ફોટ પછી તરત જ, આગની જ્વાળાઓએ ઇમારતને ઘેરી લીધી હતી, જેનાથી નજીકના ઘરોને નુકસાન થયું અને ઘણા લોકો ઘાયલ થયા.
ગૃહ મંત્રાલયે પણ વિસ્ફોટ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ જણાવ્યું હતું કે ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોનો મોટો જથ્થો પોલીસ સ્ટેશનમાં સંગ્રહિત હતો અને ઘટના બની ત્યારે તેને ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યો હતો. તે સમયે આ ઘટના બની હતી.
Published On - 8:50 am, Sun, 16 November 25