અઝહર મસૂદના ભત્રીજાવહુ આફિરા સાથે સીધા સંપર્કમાં હતી શાહીન શાહિદા

મસૂદ અઝહરના ઠાર મરાયેલા ભત્રીજા ઉમર ફારૂકની પત્નીનું નામ આફિરા બીબી છે. ઉમર ફારુક પુલવામા આતંકી હુમલાનો આરોપી હતો અને સુરક્ષા બળ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. દિલ્હી વિસ્ફોટ બાદ થયેલા ચોકાવનારા ખુલાસા અનુસાર, આફિરા બીબી, શાહીન શાહિદા સાથે સીધા સંપર્કમાં હતી. શાહીન શાહિદા આફિરા બીબીના ઇશારે ભારતમાં મહિલા આતંકવાદીઓને તાલીમ આપતી હતી.

અઝહર મસૂદના ભત્રીજાવહુ આફિરા સાથે સીધા સંપર્કમાં હતી શાહીન શાહિદા
| Edited By: | Updated on: Nov 13, 2025 | 8:35 PM

દિલ્હી આતંકવાદી હુમલા બાદ પોલીસ રડાર હેઠળ આવેલી શાહીન શાહિદા અંગે તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ માહિતી મળી છે. અત્યાર સુધીની તપાસમાં કેટલાક ચોકાવનારા ખુલાસાઓ થયા છે. જે પૈકી એક ખુલાસો એવો થયો છે કે, શાહીન શાહીદા, મસૂદ અઝહરના ભત્રીજાની પત્ની આફિરા બીબી સાથે સંપર્કમાં હતી. તે આફિરાના ઇશારે ભારતમાં જમાત અલ-મોમિનતનું નેટવર્ક સ્થાપિત કરી રહી હતી. જમાત અલ-મોમિનત એ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ છે, જે મસૂદની બહેન દ્વારા સંચાલિત છે.

 શાહિન શાહિદા પર નજર રાખે છે આફિરા

આફિરા, શાહીન શાહિદા પર નજર રાખતી હતી. તેના કહેવા પર, શાહીન શાહિદા ભારતમાં જૈશની સૌથી મોટી મહિલા બ્રિગેડ બનાવવામાં રોકાયેલી હતી. શાહીન શાહિદાનું કામ લોકોને સંગઠન સાથે જોડીને કટ્ટરપંથી બનાવવાનું હતું. જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ જમાત અલ-મોમિનત તાજેતરમાં પાકિસ્તાનના બહાવલપુરમાં સ્થાપિત થયું હતું.

તપાસ એજન્સીને મળેલા ઇનપુટ્સ અનુસાર, શાહીન શાહિદા, આફિરા બીબી સાથે સતત સંપર્કમાં હતી. જમાત અલ-મોમિનતે ભારતમાં સંગઠનનો વિસ્તાર કરવાની જવાબદારી આફિરા બીબીને સોંપી છે.

આફિરા બીબીની કરમ કુંડળી

મસૂદ અઝહરના ભત્રીજા ઉમર ફારૂકની પત્ની આફિરા 28 વર્ષની છે. તેના પાકિસ્તાની પાસપોર્ટ મુજબ, આફિરાનો જન્મ 21 ડિસેમ્બર, 1997 ના રોજ થયો હતો. તેનો પતિ ઉમર ફારૂક પુલવામા આતંકી હુમલાનો આરોપી હતો અને સુરક્ષાબળ સાથે થયેલ અથડામણમાં માર્યો ગયો હતો. ઉમરના મોત બાદ આફિરા બીબી સક્રિય છે. તાજેતરમાં, આફિરા બીબીને જૈશમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

આફિરા બીબીનું કાર્ય મસૂદ અઝહરની બહેન સાથે મળીને જમાત અલ-મોમિનતનો વિસ્તાર કરવાનું છે. હકીકતમાં, ઓપરેશન સિંદૂર પછી, જૈશ-એ-મોહમ્મદ (JeM) સંપૂર્ણપણે પડી ભાંગી છે. મસૂદ પોતે ભૂગર્ભમાં ઊતરી ગયો છે. પરિણામે, તેણે પોતાના સંગઠનને પુનર્જીવિત કરવા માટે મહિલા બ્રિગેડ બનાવવાનું નક્કી કર્યું.

શાહીન શાહિદા જૈશ સાથે કેવી રીતે જોડાઈ?

અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર, ઉમર અને મુઝમ્મિલ સંગઠન બનાવનારા પહેલા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને તુર્કિયે ગયા હતા. ત્યાં જ તેમની મુલાકાત જૈશના હેન્ડલર સાથે થઈ હતી. બંને ટેલિગ્રામ પર સતત સક્રિય હતા. શાહીન શાહિદા મુઝમ્મિલની મિત્ર છે અને મુઝમ્મિલ દ્વારા સંગઠનમાં જોડાઈ હતી. પોલીસે થોડા દિવસો પહેલા જ લખનૌથી શાહીન શાહિદાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ દિલ્હી બ્લાસ્ટનું કાવતરું WhatsApp પર નહીં, આ એપ પર ઘડાયું હતું ! જાણો આતંકવાદીઓ કઈ રીતે વાતચીત કરતા