ભારતના ઘણા ભાગોમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તાપમાન 45 ડિગ્રી સુધી વધવાથી, શાળાઓ અને કોલેજો કાં તો બંધ કરવા અથવા ઉનાળાની માર્ગદર્શિકા મુજબ ચલાવવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં ઊંચા તાપમાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિક્કિમ, ઝારખંડ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: World Heritage Day 2023 : ગુજરાતની આ કળાઓએ આપી છે પ્રદેશને ઓળખ, જાણો વર્લ્ડ હેરિટેજ ડેનું મહત્વ
22-23 એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ મુજબ (IMD), દેશના વિવિધ ભાગોમાં તાપમાનમાં વધારો થશે. રાજ્ય મુજબની શાળાઓ માટે નીચે મુજબ માર્ગદર્શિકા છે.
દિલ્હી સરકારે બુધવારે હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને શાળાઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. સત્તાવાર માર્ગદર્શિકા મુજબ, રાષ્ટ્રીય રાજધાનીમાં શાળાઓ બપોરના સમયે કોઈ કાર્યક્રમનું આયોજન કરશે નહીં. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્રમાં જણાવાયું છે કે, “ઉનાળાની ઋતુમાં દિલ્હીમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુને વટાવી જાય છે, તે શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો અને કિશોરોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એનસીઆરમાં તાપમાનમાં વધારો થયો છે. ગરમી સંબંધિત બીમારી કેસ વધી રહ્યા છે.”
હીટવેવના કારણે પશ્ચિમ બંગાળની શાળાઓ 24 એપ્રિલ સુધી બંધ છે. શાળા શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ વિભાગે તમામ રાજ્ય સંચાલિત તેમજ ખાનગી શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે, સત્તાવાર આદેશ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ અને કાલિમપોંગ સિવાયના તમામ પ્રદેશો માટે માન્ય છે કારણ કે આ પર્વતીય વિસ્તારો છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા (Dr. Manik Saha)એ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યની તમામ સરકારી શાળાઓ 18 થી 23 એપ્રિલ સુધીના એક સપ્તાહ માટે બંધ રહેશે. વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓડિશા સરકારે 16 એપ્રિલ સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. શાળાઓ ગઈકાલે, 17 એપ્રિલે ફરી ખુલી હતી અને સવારે 11 વાગ્યા સુધી ચાલી હતી. અગાઉ, શાળાઓને સવારે 7:15 થી સવારે 11 વાગ્યા સુધીના શાળાના સમયને અનુસરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા હતા. જો કે, 15 એપ્રિલ, 2023 ના રોજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ સૂચના મુજબ, શાળાઓ અને કોલેજોનો સુધારેલ સમય હવે સવારે 6:30 થી 11 વાગ્યા સુધીનો છે.
વધતા તાપમાનને જોતા પટના જિલ્લા પ્રશાસને શનિવારથી શાળાઓના સમયમાં ફેરફાર કર્યો છે. પટનાના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. ચંદ્રશેખર સિંહે આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને તમામ સ્કૂલોને સવારે 6.30 થી 11.30 સુધીના સમયમાં ફેરફાર કરવા જણાવ્યું હતું, અગાઉ જિલ્લાની દરેક સ્કૂલનો સમય સવારે 7 થી 1 વાગ્યાનો હતો.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 12:41 pm, Tue, 18 April 23