
આરએસએસ વડા મોહન ભાગવતે બંગાળ પ્રવાસ દરમિયાન હિન્દુ રાષ્ટ્ર, બાબરી મસ્જિદ વિવાદ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મંદિર–મસ્જિદનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે બંગાળમાં બાબરી મુદ્દો માત્ર રાજકીય લાભ માટે ઉછાળવામાં આવી રહ્યો છે. ભાગવત મુજબ, આ મુદ્દો હિન્દુ કે મુસ્લિમ – કોઈના પણ હિતમાં નથી, પરંતુ ફક્ત મતો માટેનો રાજકીય મુદ્દો બની ગયો છે.
મોહન ભાગવતે જણાવ્યું કે બંગાળમાં બાબરી મુદ્દો એક રાજકીય ષડયંત્ર છે, જેનાથી નવો સંઘર્ષ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જો બંગાળમાં હિન્દુ સમાજ એકતામાં રહેશે, તો પરિસ્થિતિ બદલાતાં વધુ સમય લાગશે નહીં. સરકારો આવે છે અને જાય છે, પરંતુ ધર્મ અને સમાજ કાયમી રહે છે, એવું પણ તેમણે સ્પષ્ટ કર્યું.
મંદિર–મસ્જિદ વિવાદ અંગે ભાગવતે જણાવ્યું કે આ મુદ્દો કાનૂની રીતે સમાપ્ત થઈ ચૂક્યો છે અને તેને ફરી ઉછાળવો હિન્દુ અને મુસ્લિમ બંને માટે ખતરનાક છે. તેમણે ઉમેર્યું કે મંદિરો અને મસ્જિદો જાહેર નાણાંથી બનાવવામાં આવવી જોઈએ નહીં. સરકાર સુરક્ષા પૂરી પાડી શકે છે, પરંતુ ધાર્મિક માળખાં માટે જાહેર ભંડોળનો ઉપયોગ કાયદાની વિરુદ્ધ છે.
બંગાળની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં આરએસએસ વડાએ કહ્યું કે ત્યાં મુસ્લિમ કટ્ટરપંથીઓમાં વધારો થઈ રહ્યો છે. સરહદો ખોલવાના કારણે કેટલાક લોકો ગેરકાયદે પ્રવેશ્યા છે, જેના માટે સરકારને જવાબદાર બનવું પડશે. હિન્દુઓ માટે ભારત એકમાત્ર દેશ છે અને કેન્દ્ર સરકારને આ બાબત પર ગંભીર ધ્યાન આપવું જોઈએ, એવું તેમણે કહ્યું.
ભાગવતે કહ્યું RSS મુસ્લિમ વિરોધી નથી, પરંતુ રાષ્ટ્રવાદી છે, એવું સ્પષ્ટ કરતાં ભાગવતે જણાવ્યું કે સંઘ સામાજિક પરિવર્તન માટે કામ કરે છે, રાજકીય પરિવર્તન તેનો વિષય નથી. સરકારો બદલાય છે, પરંતુ ધર્મ અને સંસ્કૃતિ સતત રહે છે.
હિન્દુ રાષ્ટ્ર અંગે બોલતાં મોહન ભાગવતે કહ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ આરએસએસનું વિઝન છે. તેમણે જણાવ્યું કે બંધારણ ધર્મ આધારિત મૂલ્યો પર ટકેલું છે અને બાબાસાહેબ આંબેડકરે જે કાર્ય કર્યું તે પણ હિન્દુ રાષ્ટ્રની વિચારધારાનો જ ભાગ હતું. જરૂર પડશે તો હિન્દુ રાષ્ટ્રની વિચારધારાને પ્રસ્તાવના અથવા બંધારણમાં સામેલ કરવામાં આવશે, અને જરૂર ન હોય તો હાલ જેવી સ્થિતિ રહેશે.
હિન્દુત્વ વિશે તેમણે કહ્યું કે હિન્દુત્વ કોઈ એક રિવાજ કે પરંપરાથી વ્યાખ્યાયિત થતું નથી. હિન્દુત્વનું પાલન કરવાની અનેક રીતો છે અને તેમનો પ્રયાસ હિન્દુ સમાજને એક કરવાનો છે.
વધુમાં તેમણે કહ્યું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે ભાગવતે કહ્યું કે ત્યાંની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. વિશ્વભરના હિન્દુઓએ બાંગ્લાદેશના હિન્દુઓની મદદ કરવી જોઈએ. ભારત પોતાની સરહદોની અંદર રહીને શક્ય તેટલી મદદ કરી રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે.
મદરેસાઓ અંગે વાત કરતાં મોહન ભાગવતે કહ્યું કે તેમાં આધુનિક અને રાષ્ટ્રવાદી શિક્ષણ આપવું જરૂરી છે. આસામ સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય યોગ્ય હોવાનું તેમણે જણાવ્યું. કેટલીક મદરેસાઓ ભારત વિરોધી નથી અને ત્યાં રાષ્ટ્રભાવનાનું શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ તમામ મદરેસાઓ એવી નથી, તેથી સુધારા જરૂરી છે.
મેસ્સીના ‘GOAT India’ પ્રવાસ દરમિયાન સ્ટેડિયમમાં હોબાળો, જુઓ Video