
રાજસ્થાનના કોટા જિલ્લામાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ખાટુ શ્યામજીનાં દર્શન કરીને મહારાષ્ટ્ર પરત ફરી રહેલા એક પરિવારની ક્રૂઝર ગાડી રસ્તા પર ઊભેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બાળકો સહિત એક જ પરિવારના 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત શનિવારે મોડી રાત્રે આશરે 1 વાગ્યે કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા ગામ નજીક થયો હતો. મહારાષ્ટ્રનો એક પરિવાર ખાટુ શ્યામજીનાં દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહ્યો હતો. પરિવારના કુલ 36 સભ્યો ત્રણ અલગ-અલગ ગાડીઓમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન સૌથી આગળ ચાલી રહેલી ક્રૂઝર ગાડી રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રક સાથે પાછળથી જોરદાર રીતે અથડાઈ હતી.
અકસ્માતમાં જે ક્રૂઝર ગાડી ટ્રક સાથે અથડાઈ તેમાં એક જ પરિવારના 16 સભ્યો સવાર હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ગાડીમાં સવાર 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને બહાર કાઢીને કોટાની ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોટાના સિટી એસપી તેજસ્વની ગૌતમે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ક્રૂઝર ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં અકસ્માત થયો હોવાની આશંકા છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
ટ્રક ચાલક હારૂનના જણાવ્યા અનુસાર, ટ્રકમાં ટેક્નિકલ ખામી સર્જાતાં તેણે વાહન રસ્તાની બાજુમાં ઊભું રાખ્યું હતું. તે ટ્રકથી થોડે દૂર રહીને ખામી તપાસી રહ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે આવેલી ક્રૂઝર ગાડીએ પહેલાં તેને ટક્કર મારી અને ત્યારબાદ ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કરથી ટ્રક ચાલક લગભગ 20 ફૂટ દૂર ફંગોળાયો હતો.
આ અકસ્માતમાં કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ટ્રક ચાલકનો પણ સમાવેશ થાય છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ખાટુ શ્યામજીનાં દર્શન કરીને ખુશીથી ઘરે પરત ફરી રહેલા પરિવાર માટે આ મુસાફરી કાળ બની ગઈ છે.
આ પણ વાંચો : Breaking News : મણિપુરમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત! 180થી વધુ હોસ્પિટલમાં દાખલ
Published On - 7:45 am, Sun, 22 November 26