મસ્જિદો ઉપરથી પોલીસે લાઉડસ્પીકરો ઉતરાવી નાખતા જ સાંસદ – પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દોડ્યો અમિત શાહ પાસે

મસ્જિદો ઉપરમાંથી લાઉડસ્પીકર હટાવવા અંગે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હોબાળો મચ્યો છે. લોકસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત ટીએમસીના ત્રણ બળવાખોર સાંસદોએ, ગૃહમંત્રી અમિત શાહ પાસે તાત્કાલિક આ મુદ્દે હસ્તક્ષેપ અને નિષ્પક્ષ કાર્યવાહીની માંગ કરી છે.

મસ્જિદો ઉપરથી પોલીસે લાઉડસ્પીકરો ઉતરાવી નાખતા જ સાંસદ - પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દોડ્યો અમિત શાહ પાસે
| Updated on: Aug 07, 2026 | 8:17 AM

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અનેક મસ્જિદો ઉપર લગાવેલા લાઉડસ્પીકર હટાવવાનો મુદ્દો વધુ વકર્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને ‘NCPI’માં જોડાનારા ત્રણ બળવાખોર સાંસદોએ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. બહેરામપુરના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત ત્રણ સાંસદોએ ગૃહ મંત્રાલયને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં પોલીસ કાર્યવાહી રોકવાની માંગ કરવામાં આવી હતી.

ત્રણેય સાંસદોએ અમિત શાહને શું કહ્યું?

2024ની લોકસભા ચૂંટણી TMC ટિકિટ પર બહેરામપુરના સાંસદ યુસુફ પઠાણ, મુર્શિદાબાદના સાંસદ અબુ તાહેર ખાન અને જંગીપુરના સાંસદ ખલીલુર રહેમાન જીત્યા હતા. આ ત્રણેય સાંસદોએ, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ TMC છોડી દીધી છે. યુસુફ પઠાણ, અબુ તાહેર ખાન અને ખલીલુર રહેમાન ગઈકાલ ગુરુવારે ગૃહમંત્રી કાર્યાલયમાં એક સંયુક્ત આવેદનપત્ર સુપરત કર્યું હતું.

અમિત શાહને આપેલા આવેદનપત્રમાં, સાંસદોએ જણાવ્યું હતું કે તેઓ અવાજ નિયંત્રણ સંબંધિત કાયદાઓ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સંપૂર્ણ સન્માન કરે છે. જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે નિયમોનું પાલન “ન્યાયી, અને સંવેદનશીલ” રીતે સુનિશ્ચિત કરવું જોઈએ જેથી ધાર્મિક લાગણીઓને ઠેસ ના પહોંચે.

વિવાદ અને પોલીસનું વલણ શું છે?

પશ્ચિમ બંગાળમાંથી એવા અહેવાલો આવ્યા હતા કે, સ્થાનિક પોલીસ મસ્જિદોમાંથી અઝાન માટે વપરાતા લાઉડસ્પીકરને બળજબરીથી દૂર કરાવી રહી છે. સાંસદોએ આ કાર્યવાહીના વિરોધમાં આ પગલું ભર્યું છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ પોલીસનું કહેવું છે કે, આ કાર્યવાહી કોઈ એક સમુદાય વિરુદ્ધ નથી. તેઓ જણાવે છે કે સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના આદેશો અનુસાર, તમામ ધાર્મિક સ્થળોએ ધ્વનિ પ્રદૂષણ સંબંધિત નિયમો સમાન રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે.

ત્રણેય સાંસદો NDA બેઠકોથી કેમ દૂર રહ્યા ?

અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણ સાંસદો, ટીએમસી છોડી ચૂકેલા એ 20 સાંસદોના જૂથનો ભાગ છે જેમણે NCPI માં જોડાવાનું નક્કી કર્યું હતું. NCPI એક માન્યતા પ્રાપ્ત પાર્ટી છે. જેણે ત્રિપુરામાં બે વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર થોડાક મત મેળવ્યા હતા. આ પાર્ટી ભાજપને ટેકો આપે છે. જોકે, બંગાળના મુસ્લિમ બહુમતીવાળા મુર્શિદાબાદ જિલ્લાના આ ત્રણ મુસ્લિમ સાંસદોએ તાજેતરમાં NDA બેઠકોથી પોતાને દૂર રાખ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ મુસ્લિમોના હિતોની વિરુદ્ધ જતા કોઈપણ કાયદાને સમર્થન નહીં આપે.

મતદાર યાદીમાંથી 4.55 લાખ નામ દૂર કરવાનો મુદ્દો ઉઠાવાયો

લાઉડસ્પીકર વિવાદ ઉપરાંત, આ સાંસદોએ મતદાર ઓળખ કાર્ડ (EPIC) ટ્રિબ્યુનલ સમક્ષ પેન્ડિંગ કેસોમાં નોંધપાત્ર વિલંબનો મુદ્દો પણ મુખ્ય રીતે ઉઠાવ્યો. સાંસદોએ ધ્યાન દોર્યું કે ઘણા સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, અને આ વ્યક્તિઓ ટ્રિબ્યુનલના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. આ વિલંબથી પાસપોર્ટ ચકાસણી, જમીન નોંધણી અને સરકારી કલ્યાણ યોજનાઓની પહોંચ અંગે સામાન્ય જનતાને ભારે મુશ્કેલી પડી રહી છે.

સાંસદોએ આ વર્ષના અંત સુધીમાં તમામ પેન્ડિંગ, સાચા કેસોનો ઝડપી ઉકેલ લાવવાની માંગ કરી છે. નોંધનીય છે કે, ચૂંટણી પંચના ડેટા અનુસાર, 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ દરમિયાન એકલા મુર્શિદાબાદ જિલ્લામાંથી 4.55 લાખ નામો દૂર કરવામાં આવ્યા હતા. આ આંકડો રાજ્યના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે.

કાશ્મીરને બદલે મોદી-શાહના ગુજરાતને ટાર્ગેટ બનાવવા પાકિસ્તાનનો ખતરનાક ખેલ ! ચીન-તુર્કિયેની લેશે મદદ

Follow Us
Loading...
Unable to load recommendations.