Pegasus controversy : પેગાસસ જાસૂસી કૌભાંડ(Spyware Pegasus)ની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની ટેકનિકલ કમિટીને માત્ર 2 લોકોએ તેમના ફોન સબમિટ કર્યા છે. હવે કમિટીએ ફરી એકવાર જાહેર નોટિસ બહાર પાડી છે. ગુરુવારે જાહેર કરાયેલી આ નોટિસમાં સમિતિએ આ મામલાને લગતા લોકોને 8 ફેબ્રુઆરી 2022 સુધીમાં તેમના ફોન જમા કરાવવા માટે કહ્યું છે.
ફ્રેન્ચ સ્થિત પત્રકારોના સંઘે ગયા વર્ષે 50,000 નંબરના લીક થયેલા ડેટાબેઝને એક્સેસ કર્યો હતો. જેઓને NSO ગ્રૂપ(NSO Group) ના ગ્રાહકો દ્વારા દેખરેખ માટે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની પેનલે અગાઉ 2 જાન્યુઆરી 2022ના રોજ પણ નોટિસ જાહેર કરી હતી.
નોટિસમાં કમિટીએ જણાવ્યું છે કે, પહેલી નોટિસ બાદ માત્ર 2 લોકોએ જ ફોન જમા કરાવ્યા છે. 19 જુલાઈ, 2021 ના રોજ સંસદમાં બોલતા, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ભારત સરકારે પત્રકારો, કાર્યકરો, વિપક્ષી નેતાઓ અને મંત્રીઓના ફોન હેક કરવા માટે પેગાસસનો ઉપયોગ કર્યો હતો. આ અહેવાલ ભારતીય લોકશાહી અને તેની સુસ્થાપિત સંસ્થાઓને બદનામ કરવાના પ્રયાસ સિવાય બીજું કંઈ ન હતું. કોંગ્રેસ પાર્ટીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી શાસિત સરકારે “લોકશાહીનું અપહરણ” કર્યું છે અને સુપ્રીમ કોર્ટ સાથે વિશ્વાસઘાત કર્યો છે.
એમએલ શર્મા નામના એડવોકેટે 30 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલને આ અરજીનો આધાર બનાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોદી સરકારે 2017માં ડિફેન્સ ડીલ હેઠળ ઈઝરાયલના સ્પાયવેર પેગાસસને ખરીદ્યું હતું. અરજીમાં સુપ્રીમ કોર્ટને આ ડિફેન્સ ડીલની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. શર્માએ એમ પણ કહ્યું હતું કે, આ ડીલને સંસદે મંજૂરી આપી નથી, તેથી પૈસા વસૂલ્યા પછી તેને રદ કરી દેવો જોઈએ.
સુપ્રીમ કોર્ટને પણ આ મામલે ફોજદારી કેસ નોંધવા માટે નિર્દેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે 27 ઓક્ટોબર 2021ના રોજ નિષ્ણાત સમિતિની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ આરવી રવિન્દ્રનને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સમિતિની રચના કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દરેક વ્યક્તિની ગોપનીયતા સુરક્ષિત હોવી જોઈએ.
પેગાસસ આઇફોન અને એન્ડ્રોઇડ ઉપકરણોને લક્ષ્ય બનાવે છે. Pegasus કોઈપણ ફોન અથવા અન્ય કોઈપણ ઉપકરણ પર દૂરસ્થ રીતે ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે ફક્ત એક મિસ્ડ કોલ કરીને તમારા ફોનમાં પેગાસસ ઇન્સ્ટોલ પણ કરી શકો છો.
આ પણ વાંચો : દેશમાં સોના-ચાંદીમાં રોકાણનો ઘટી રહ્યો છે ક્રેઝ, જાણો દેશમાં કમાણી માટે ક્યુ ક્ષેત્ર પસંદગીનો વિષય બની રહ્યું છે