
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી, પાકિસ્તાનમાં ખળભળાટ ફેલાયો છે. જોકે, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અત્યાર સુધી આ અંગે કોઈ સીધી પ્રતિક્રિયા આપી શક્યા નથી. જે આસીમ મુનીરને પાકિસ્તાનની સત્તામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. તે આ સમગ્ર ઓપરેશન પર મૌન સેવી રહ્યો છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ તેની રણનીતિ છે કે ભારતની સૈન્ય તાકાત સામેની લાચારી?
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરી દેવામાં આવી હતી. ભારતે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કરતા ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. આ હુમલાઓ સંપૂર્ણપણે સચોટ, સંતુલિત અને શક્તિશાળી ગણાવવામાં આવ્યા. આ પછી તરત જ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેને યુદ્ધની કાર્યવાહી ગણાવી અને બદલો લેવાની ચેતવણી આપી. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ પર અસીમ મુનિર મૌન છે. જે દરેક સામાન્ય ઘટના પર હંમેશા આગળપડતા રહીને અવાજ ઉઠાવતા રહે છે.
નિષ્ણાતોનું કહેવુ છે કે અસીમ મુનીરનું મૌન સૂચવે છે કે તેમને સેનાની અંદરથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું નથી. નિવૃત્ત મેજર જનરલ રાજન કોચરના મતે, પાકિસ્તાની સેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ મુનીરના નેતૃત્વથી સહમત નથી. આ જ કારણ છે કે વર્તમાનમાં ત્યાંની સંકટની ઘડીમાં તેઓ કોઈ નિર્ણાયક પગલા લેવાને બદલે પડદા પાછળ રહેવામાં શાણપણ સમજી રહ્યા છે. ભારતની સર્જિકલ સ્ટ્રાઈકે ફરી એકવાર પાકિસ્તાનની લશ્કરી અને રાજકીય નબળાઈને ઉજાગર કરી છે.
ભારતની જવાબી કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને પંજાબ પ્રાંતમાં કટોકટી લાગુ કરી દીધી છે. તે જ સમયે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી અને સરકારી અધિકારીઓની બોડી લેંગ્વેજમાં સ્પષ્ટ રીતે ડર દેખાઈ રહ્યો છે. ભારતીય નિષ્ણાત લેફ્ટનન્ટ જનરલ ડી.પી. પાંડે કહે છે કે અસીમ મુનીર સંપૂર્ણપણે દબાણ હેઠળ છે અને તેમનું મૌન એ સંકેત આપે છે કે પાકિસ્તાનમાં આંતરિક સ્તરે સુમેળનો ભારે અભાવ છે.
આ દરમિયાન, ઇમરાન ખાનના સમર્થકોએ પણ અસીમ મુનીર પર પ્રહાર કર્યો છે. તેમણે જનરલ મુનીરના સરમુખત્યારશાહી સ્વભાવ અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાને ભારત સાથેના સંઘર્ષનું કારણ ગણાવી છે. તેઓ કહે છે કે પાકિસ્તાનની સેના ખુદ સરહદ પાર આતંકવાદ માટે એક સંગઠિત માળખા તરીકે કામ કરી રહી છે. ઇમરાનની પાર્ટીએ આ મુદ્દા પર સરકારની કટોકટી બેઠકનો પણ બહિષ્કાર કર્યો છે.
અસીમ મુનીરનું મૌન માત્ર ભારતના લશ્કરી પ્રતિભાવની અસર જ દર્શાવે છે, પરંતુ તે પાકિસ્તાનના આંતરિક રાજકીય અને લશ્કરી સંકટ તરફ પણ નિર્દેશ કરે છે. જો કે, પ્રશ્ન એ છે કે શું આ મૌન કોઈ મોટા પગલાની તૈયારી છે કે ભારતના રાજદ્વારી અને લશ્કરી ધાર સામે પાકિસ્તાનની હાર?