
પહેલગામના આતંકી હુમલાને લઇને એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. મંગળવારે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. પહેલગામથી પરત આવેલી મોડેલ એકતા તિવારીએ દાવો કર્યો છે કે, સુરક્ષા એજન્સીઓ દ્વારા જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે, તેમાં બે ઘોડે સવાર છે. એકતાએ તેના ફોનમાં આતંકીનો ફોટો પણ લીધેલો છે.
એકતા તિવારીના જણાવ્યા મુજબ, તેમને આ ખચ્ચર માલિકોની હરકતો શંકાસ્પદ લાગી, તેથી તેણે તેમનો વીડિયો બનાવ્યો. આતંકવાદીઓનો સ્કેચ જોયા પછી, તેણીએ ઉત્તર પ્રદેશના CM હેલ્પલાઈનમાં ફોન કરી તમામ જાણકારી આપી છે. એકતાના મતે, પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો તેમનો પ્લાન-બી હતો. તેમનો પ્લાન A કોઇ વાહનના બ્રેક ફેલ કરાવવાનો હતો તેઓએ આતંકીઓની ફોન પર વાતચીત પણ સાંભળી હતી. જેમાં આ શંકાસ્પદ આતંકી હથિયારો વિશે વાત કરતો હોવાનો દાવો કર્યો છે.
એકતા તિવારીએ કહ્યું કે, તેમને ખચ્ચર (ઘોડો) પર બેસાડીને લઈ જતા બે લોકોનો ફોટો આતંકવાદીઓના સ્કેચ સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે. તેમણે કહ્યું કે, કુરાન ન વાંચવા અને રુદ્રાક્ષની માળા પહેરવા બદલ આ આતંકવાદીઓએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. એકતાએ કહ્યુ કે આતંકીએ તેમને અનેક સવાલો પુછ્યા હતા. જેમ કે તમે ક્યાંથી આવ્યા છો ? મૂળ ક્યાંના છો ? ક્યારેય અજમેર ગયા છો ? ક્યારેય અમરનાથ ગયા છો ?
બેંકની નોકરી છોડીને મોડેલિંગ કરતા એકતા તિવારી, 13 એપ્રિલે પરિવાર અને મિત્રો સાથે વૈષ્ણો દેવીની યાત્રા પર ગયા હતા. જ્યાંથી તેઓ 16 એપ્રિલે શ્રીનગર તરફ રવાના થયા અને 20 એપ્રિલે તેઓ પહલગામ પહોંચ્યા હતા. સ્કેચ પરથી આતંકીઓને ઓળખવાની સાથે એકતાએ જણાવ્યું કે, જ્યાં હુમલો થયો ત્યાં 7 કિલોમીટર સુધી કોઈ જ સુરક્ષા વ્યવસ્થા નહોતી. ત્યારે હવે, જોવાનું એ રહેશે કે આ માહિતી પરથી આતંકીઓને ઠાર મારવામાં સુરક્ષાદળોને કેટલી મદદ મળશે.
પહેલગામ હુમલાને લગતા દેશ અને વિદેશ સહિતના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:58 am, Fri, 25 April 25