ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને (Supreme Court) જણાવ્યું હતું કે તેણે સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે CAA વિરોધી પ્રદર્શનકારીઓ સામે જાહેર કરાયેલી રિકવરી નોટિસ પાછી ખેંચી લીધી છે. યુપી સરકાર દ્વારા રિકવરી નોટિસ પાછી ખેંચી લેવા અંગે કોર્ટને જાણ કર્યા પછી, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે યુપી સરકારને અત્યાર સુધીની વસૂલાત પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નવા કાયદા હેઠળ કથિત CAA વિરોધી પ્રદર્શનકારીઓ સામે પગલાં લેવાની સ્વતંત્રતા આપી છે. ઉત્તર પ્રદેશ તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ ગરિમા પ્રસાદે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 14 અને 15 ફેબ્રુઆરીના સરકારી આદેશો દ્વારા જાહેર સંપત્તિને થયેલા નુકસાનના મામલામાં રિકવરી નોટિસ પાછી ખેંચી લીધી છે.
કોર્ટે કહ્યું કે યુપી સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનને જોતા આ મામલામાં વધુ કંઈ બચ્યું નથી. જો કે, કોર્ટે યુપી સરકારને કાયદા અનુસાર આગળ વધવાની સ્વતંત્રતા આપી છે, જે રાજ્યનો કાયદો છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આદર્શ આચાર સંહિતા રાજ્યને કાયદાનું પાલન કરતા અટકાવતી નથી.
ખંડપીઠે એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદની દલીલને ફગાવી દીધી હતી કે વસૂલાતનો નિર્દેશ આપવાને બદલે વિરોધકર્તાઓ અને રાજ્ય સરકારને ક્લેમ્સ ટ્રિબ્યુનલનો સંપર્ક કરવાની મંજૂરી આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે 11 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ સરકારને ડિસેમ્બર 2019 માં કથિત CAA વિરોધી પ્રદર્શનકારીઓને જાહેર કરાયેલ વળતર નોટિસ પર કાર્યવાહી કરવા બદલ ઠપકો આપ્યો હતો.
કોર્ટે સરકારને કાર્યવાહી પાછી ખેંચવાની છેલ્લી તક આપી હતી અને ચેતવણી આપી હતી કે ઉત્તર પ્રદેશની કાર્યવાહી કાયદાની વિરુદ્ધ હોવાથી કોર્ટ તેને રદ કરશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ડિસેમ્બર 2019માં શરૂ કરાયેલી કાર્યવાહી એ કાયદાની વિરુદ્ધ છે જેનું કોર્ટ દ્વારા અર્થઘટન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ પરવેઝ આરિફ ટીટુની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે કથિત વિરોધીઓને મોકલવામાં આવેલી નોટિસને રદ કરવામાં આવે.
યુપી સરકારે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યમાં 833 તોફાનીઓ વિરુદ્ધ 106 એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ 274 રિકવરી નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ નોટિસોમાંથી 236 રિકવરી ઓર્ડર પસાર કરવામાં આવ્યા હતા જ્યારે 38 કેસ બંધ કરવામાં આવ્યા હતા. પ્રસાદે એ પણ જણાવ્યું હતું કે આ આદેશો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Hijab Row: હિજાબ વિવાદ પર હવે કર્ણાટક હાઈકોર્ટમાં 21 ફેબ્રુઆરીએ થશે સુનાવણી, જાણો આજે કોર્ટમાં શું થયું