
માયાવી નગરી મુંબઈને સપનાનું શહેર કહેવામાં આવે છે અને એવુ પણ કહેવાય છે કે આ શહેર ક્યારેય સૂતુ જ નથી. રાત્રે પણ મુંબઈમાં દિવસ જેવી જ અવરજવ હોય છે. દુનિયાનું સૌથી વ્યસ્ત સિંગલ- રનવે ઍરપોર્ટ પૈકી એક છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (CSMIA) વર્ષોથી ભીડભાડથી ભરેલુ જ હોય છે. પરંતુ હવે, મુંબઈ શહેર તેની હવાઈ યાત્રામાં એક નવો અધ્યાય લખવા માટે તૈયાર છે.
8 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ NMIA નું ઉદ્દઘાટન કરશે. જે એક ગ્રીનફિલ્ડ અજાયબી છે જે આ પ્રદેશની કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવશે અને ભારતના ઉડ્ડયન નકશાને બદલી નાખશે.
વડાપ્રધાન મોદી 8 ઓક્ટોબરે બપોરના 2.40 એ ઍરપોર્ટ પર લેન્ડ કરશે. જે બાદ તેઓ ઍરપોર્ટનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ ઉદ્દઘાટન કરશે. જે બાદ તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઍરપોર્ટનું નામ સામાજિક કાર્યકર્તા ડી બી પાટીલના નામ પરથી રાખવાને પ્રસ્તાવ આપ્યો છે.
સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયા બાદ નવી મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ વર્ષે 9 કરોડ મુસાફરોને સંભાળવા માટે સક્ષમ હસે. જેનાથી આ દુનિયાના સૌથી મોટા ઍરપોર્ટ પૈકીનું એક બની જશે. તેના પ્રથમ તબક્કામાં આ ઍરપોર્ટ લગભગ 400 દૈનિક ઉડાન સાથે વર્ષે 2 કરોડ યાત્રીકોને સેવા પ્રદાન કરશે.
પહેલા મહિનામાં 60 દૈનિક ફ્લાઇટ્સ સાથે કામગીરી સામાન્ય રીતે શરૂ થશે, અને છ મહિનામાં તેને 240-300 ફ્લાઇટ્સ સુધી વધારવામાં આવશે.
NMIA પહેલા દિવસથી જ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવાનું લક્ષ્ય રાખે છે. જો આવું નહીં થાય, તો બંને શ્રેણીઓમાં ફ્લાઇટ્સ ચોક્કસપણે ઓક્ટોબરમાં શરૂ થશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્ષમતા વચ્ચેનો આયોજિત ગુણોત્તર 4:1 છે, પરંતુ માંગના આધારે વૈશ્વિક રૂટ વધારવા માટે પણ સુગમતા છે.
પ્રારંભિક કનેક્ટિવિટી એક પડકાર હોઈ શકે છે, NMIA ને ભારતના “શ્રેષ્ઠ-જોડાયેલ” એરપોર્ટ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભવિષ્યની યોજનાઓમાં રોડ, રેલ, મેટ્રો, એર ટેક્સી અને જળ પરિવહન સાથે એકીકરણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, એરપોર્ટ નજીક એક એરોસિટી વિકસાવવામાં આવી રહી છે, જેમાં બજેટથી લઈને લક્ઝરી સુધીની હોટલો હશે, જે તેને માત્ર પરિવહન માટે જ નહીં પરંતુ વ્યાપાર અને અવકાશ માટે પણ એક કેન્દ્ર બનાવશે.
મુંબઈ પ્રદેશ માટે, NMIA ફક્ત CSMIA પર ભીડ ઓછી કરશે નહીં. તે આર્થિક વિકાસ, નવી નોકરીઓ અને મજબૂત આંતરરાષ્ટ્રીય સ્થાન પણ પ્રદાન કરશે. જેમ જેમ ભારત વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્ર બનવા તરફ આગળ વધે છે, તેમ તેમ દાયકાઓથી ચાલી રહેલ આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ મુખ્ય કેન્દ્રોની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત છે. તે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) થી માત્ર 14 કિમી, MIDC તલોજા ઔદ્યોગિક ક્ષેત્રથી 22 કિમી, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા મુંબઈ પોર્ટ ટ્રસ્ટથી 35 કિમી, થાણેથી 32 કિમી અને પાવરલૂમ માટે ખ્યાતનામ એવા ભિવંડીથી 40 કિમી દૂર છે,
સિડકોના એમડી વિજય સિંઘલે જણાવ્યું હતું કે 1160 એકરના આ ઍરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. બીજો તબક્કો 2029માં, ત્રીજો તબક્કો 2032માં અને ચોથો તબક્કો 2036 સુધીમાં પૂર્ણ થશે.
તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બરથી શરૂ કરીને, ઍરપોર્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તેમજ કાર્ગો ફ્લાઇટ્સનું સંચાલન કરી શકશે. પ્રથમ તબક્કાના પૂર્ણ થવા માટે આશરે ₹19,640 કરોડનો ખર્ચ થયો છે, અને સમગ્ર ઍરપોર્ટના પૂર્ણ થવા માટે આશરે ₹1 લાખ કરોડનો ખર્ચ થવાની ધારણા છે. હાલમાં, એરપોર્ટની વાર્ષિક ક્ષમતા 20 મિલિયન મુસાફરોની હશે, અને એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, તે વાર્ષિક 9 કરોડ મુસાફરોને સંભાળી શકશે.
Input Credit- Jaiprakash Singh