પંજાબમાં ભારે વરસાદ (heavy rain) અને પૂરના કારણે અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. રાજ્યના 15 જિલ્લા પૂરની ઝપેટમાં છે. આ જિલ્લાઓમાંથી લગભગ 26000 લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. રાજ્યમાં પૂરગ્રસ્ત લોકો માટે સરકાર દ્વારા 148 રાહત શિબિતની સ્થાપના કરવામાં આવી છે. આ શિબિરોમાં 3,731 લોકોએ આશ્રય લીધો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પંજાબના 15 જિલ્લાના લગભગ 1414 ગામો પૂરની ઝપેટમાં છે. પંજાબના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પટિયાલા, મોગા, લુધિયાણા, મોહાલી, જલંધર, સંગરુર, પઠાણકોટ, તરનતારન, ફિરોઝપુર, ફતેહગઢ સાહિબ, ફરીદકોટ, હોશિયારપુર, રૂપનગર અને એસબીએસ નગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં પૂરનું પાણી હાલ ધીમે ધીમે ઓસરી રહ્યું છે.
અહીં શનિવારે, હોશિયારપુરના દસુયા સબ-ડિવિઝનમાં રાતોરાત ભારે વરસાદ પછી ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. ઉતાવળમાં અધિકારીઓ વિસ્તારમાં પહોંચ્યા અને ગામના લોકોને સલામત સ્થળે લઈ ગયા. વરસાદને કારણે ખોખરા, હાલેર, સોંસપુર, બિસોચક, સાગરન, પવન, બમિયાલ, જીઓ ચક, ધાધર, બેહબોવાલ, ઘંગોવાલ, જલાલચક, તો, માંડ અને પાંઢેર સહિતના અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાયા હતા.
ભારે વરસાદ બાદ પૂરના કારણે પાણીજન્ય રોગોનો ભય પણ મંડરાઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓને આવા કોઈપણ રોગચાળાને રોકવા માટે યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં જ્યાં પૂરના પાણી ઓસર્યા છે ત્યાં મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે અને લોકોને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : પૂરમાં ફસાયેલા 70 હજાર લોકોને બચાવ્યા, અત્યાર સુધીમાં 26 મૃતદેહો બહાર કઢાયા
પડોશી રાજ્ય હરિયાણામાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 6000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પંજાબના 15 અને હરિયાણાના 13 જિલ્લા પૂરની ઝપેટમાં છે. હરિયાણાના યમુનાનગરમાં હથિનીકુડ બેરેજ ખાતે સવારે 8 વાગ્યે પાણીનું સ્તર 54,282 ક્યુસેક હતું, જે બપોરે 2 વાગ્યે વધીને 81,430 ક્યુસેક થયું હતું અને પછી સાંજે 5 વાગ્યે ઘટીને 61,592 ક્યુસેક થયું હતું.
Published On - 11:42 pm, Sun, 16 July 23