Monkeypox: વિશ્વના ઘણા દેશોમાં ફેલાતા મંકીપોક્સ(Monkeypox)ના ચેપને કારણે સતત ચિંતાનો માહોલ છે. ભારતમાં પણ આ બાબતે ખૂબ કાળજી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન કેરળ(Kerala) માં મંકીપોક્સનો એક શંકાસ્પદ કેસ પણ પ્રકાશમાં આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે માહિતી આપી છે કે સંયુક્ત આરબ અમીરાત (UAE)થી પરત ફરેલા વ્યક્તિમાં મંકીપોક્સ રોગના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. ત્યારબાદ તેના સેમ્પલ લઈને તેને તપાસ માટે પુણે મોકલવામાં આવ્યો છે.
કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે ગુરુવારે જણાવ્યું હતું કે દર્દીના નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ માટે પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તપાસના પરિણામો મળ્યા પછી જ મંકીપોક્સની પુષ્ટિ થઈ શકશે. જ્યોર્જે કહ્યું કે આ વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે અને તે વિદેશમાં આ ચેપના દર્દીના નજીકના સંપર્કમાં હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, મંકીપોક્સ એ પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાતો ચેપી રોગ છે અને તેના લક્ષણો શીતળાના દર્દીઓ જેવા જ હોય છે. આ રોગ સામાન્ય રીતે પશ્ચિમ અને મધ્ય અમેરિકામાં જોવા મળે છે. પરંતુ અત્યાર સુધીમાં તે 60થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. આ દેશોમાં મંકીપોક્સના 10,400 થી વધુ પુષ્ટિ થયેલા કેસો નોંધાયા છે. વિશ્વના ઘણા દેશોમાં આ અંગે સાવચેતી રાખવામાં આવી રહી છે. 12 જુલાઈ સુધી જાહેર કરાયેલા ડેટા અનુસાર બ્રિટનમાં મંકીપોક્સના 1735 કેસની પુષ્ટિ થઈ છે.
સ્પેનમાં પણ મંકીપોક્સના 2447 કેસ નોંધાયા છે. આ સિવાય જે દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે તેમાં જર્મની, ફ્રાન્સ, ગ્રીસ અને યુરોપના કેટલાક અન્ય દેશોનો સમાવેશ થાય છે. WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ વાયરસના ફેલાવાના સ્તરને લઈને ચિંતિત છે અને યુરોપમાં 80 ટકાથી વધુ કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે તે 18 જુલાઈથી શરૂ થતા સપ્તાહમાં પ્રકોપ પર દેખરેખ રાખનારી WHOની નિષ્ણાત સમિતિની આગામી બેઠક બોલાવશે.