ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને મોટી જીત મળી છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં જનતાએ ભાજપને સત્તાનો તાજ પહેરાવ્યો છે, જ્યારે મેઘાલયમાં ભાજપની પૂર્વ સહયોગી નેશનલ પીપલ્સ પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી છે. મેઘાલયના ચૂંટણી પરિણામોમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જો કે સીએમ કોનરાડ સંગમા તેમની દક્ષિણ તુરા બેઠક બચાવવામાં સફળ રહ્યા, પરંતુ ઘણા દિગ્ગજો હતા જેમને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: મોદી શાસનમાં દેશનો રાજકીય નકશો કેવી રીતે બદલાયો, પૂર્વોત્તરના પરિણામો પછી હવે શું છે સ્થિતિ?
મેઘાલયમાં ગત વખતની જેમ આ વખતે પણ કોકડુ ગુંચવાયુ છે, કોઈ પણ પક્ષને બહુમતી ન મળવાની સ્થિતિમાં હવે ગઠબંધનની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, ગુરુવારે આવેલા ચૂંટણી પરિણામોમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. મેઘાલયમાં ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવતી NPP આ વખતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડી છે. એટલું જ નહીં ચૂંટણીમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવેલી NPPએ પરિણામોને ધ્યાનમાં રાખીને અમિત શાહ પાસે સમર્થન માંગ્યું છે અને સરકાર બનાવવાની વાત કરી છે. NPPને અહીં 26 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે પરંતુ પાર્ટીને સંપૂર્ણ બહુમતી માટે હજુ 5 વધુ બેઠકોના સમર્થનની જરૂર પડશે.
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ, મેઘાલયમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) એ 60 સભ્યોની વિધાનસભામાં 26 બેઠકો જીતી છે. ભાજપે બે બેઠકો જીતી છે. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીએ 11 સીટો જીતી છે, જ્યારે ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસે પાંચ સીટો જીતી છે. નવી રચાયેલી વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી (વીપીપી)એ 4 બેઠકો છે. હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ બે-બે બેઠકો જીતી છે. રાજ્યમાં બે અપક્ષ ઉમેદવારો પણ વિજયી થયા છે.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે મેઘાલયના મુખ્ય પ્રધાન અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના વડા કોનરાડ સંગમાએ પહાડી રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના આશીર્વાદ માંગ્યા છે. શર્માએ ટ્વિટર પર એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના મેઘાલય એકમને રાજ્યમાં સરકારની રચનામાં NPPને ટેકો આપવાની સલાહ આપી છે.