CBIની 8 કલાકની કડક પૂછપરછ બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ
દિલ્હી પોલીસે રવિવારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછના વિરોધમાં સીબીઆઈ ઓફિસની નજીક વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને મંત્રી ગોપાલ રાય સહિત 50 લોકોની અટકાયત કરી હતી.
લીકર પોલિસી મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સીબીઆઈએ સિસોદિયાની લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી. સીએમ અરવિંદ કેજરીવાલ અને સિસોદિયાએ પહેલા જ ધરપકડ અંગે આશંકા વ્યક્ત કરી હતી. સીબીઆઈ સમક્ષ જતા પહેલા સિસોદિયા તેમના સમર્થકો સાથે હાજર થયા હતા. ત્યારે દિલ્હી પોલીસે રવિવારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછના વિરોધમાં સીબીઆઈ ઓફિસની નજીક વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને મંત્રી ગોપાલ રાય સહિત 50 લોકોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો: કંગાળ પાકિસ્તાને 75 વર્ષમાં 23 વખત IMF સામે હાથ લંબાવ્યો, તેમ છતા પણ ન મળી ભીખ
સીબીઆઈ એફઆઈઆરમાં મુખ્ય આરોપી તરીકે સિસોદિયાની અગાઉ ગત વર્ષે 17 ઓક્ટોબરે પૂછપરછ કરવામાં આવી હતી. એક મહિના પછી, 25 નવેમ્બરના રોજ, સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી. સીબીઆઈની ચાર્જશીટમાં સિસોદિયાનું નામ નથી, કારણ કે તે સમયે તેમની અને અન્ય શકમંદો અને આરોપીઓ સામે સીબીઆઈની તપાસ ચાલુ હતી.
કાર્યકર્તા મારા પરિવારની સંભાળ રાખે: સિસોદિયા
સીબીઆઈ સમક્ષ હાજર થતાં પહેલાં સિસોદિયાએ કહ્યું કે, જ્યારે મેં પત્રકાર તરીકેની નોકરી છોડી ત્યારે મારી પત્નીએ મને સાથ આપ્યો અને આજે પણ મારો પરિવાર મારી પડખે ઊભો છે. જો મારી ધરપકડ કરવામાં આવશે, તો મારા કાર્યકરો મારા પરિવારની સંભાળ રાખશે.
સિસોદિયા સાથે આખો દેશઃ ભગવંત માન
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઈની પૂછપરછ વચ્ચે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રવિવારે કહ્યું કે આખો દેશ સત્યની લડાઈ લડી રહેલા સિસોદિયાની સાથે છે. માનએ ટ્વીટ કર્યું, મનીષજી તમે સત્યની લડાઈ લડી રહ્યા છો, આખો દેશ તમારી સાથે છે… લાખો બાળકોનો પ્રેમ તમારી સાથે છે. સાથે જ તેમણે કહ્યું કે, આપણે બધા એ વ્યક્તિ સાથે છીએ જેણે શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી.
જણાવી દઈએ કે CBIએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં રવિવારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછનો બીજો રાઉન્ડ શરૂ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સિસોદિયા સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા.
(ભાષા ઇનપુટ સાથે)