લલિત મોદીએ, ભારતીય નાગરિકતા છોડી, હવે વનુઆતુ નાગરિકતા રદ થશે, કોઈ પણ દેશની નાગરિકતા વિનાની વ્યક્તિનું શુ થાય ?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ભૂતપૂર્વ કમિશનર અને ભારતના ભાગેડુ આરોપી લલિત મોદીની વનુઆતુ નાગરિકતા રદ કરવામાં આવશે. વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપટે સિટીઝનશિપ કમિશનને, લલિત મોદીને આપવામાં આવેલ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. વનુઆતુની નાગરિકતા મળતાની સાથે જ લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે લંડનમાં અરજી કરી હતી. ચાલો જાણીએ કે કોઈ પણ દેશની નાગરિકતા ના ધરાવનારા વ્યક્તિનું શું થાય છે ?

લલિત મોદીએ, ભારતીય નાગરિકતા છોડી, હવે વનુઆતુ નાગરિકતા રદ થશે, કોઈ પણ દેશની નાગરિકતા વિનાની વ્યક્તિનું શુ થાય ?
| Edited By: | Updated on: Mar 10, 2025 | 3:06 PM

ન તો ઘરનો કે ન ઘાટનો – આ કહેવત ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ભૂતપૂર્વ સ્થાપક લલિત મોદી પર બરાબર બંધ બેસે છે. નાગરિકતા સંકટમાં ફસાયેલા લલિત મોદીએ તાજેતરમાં જ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા અરજી કરી દીધી હતી. તેના થોડા દિવસો પછી, વનુઆતુ સરકારે પણ લલિત મોદી સામે મોટું પગલું ભર્યું અને તેની નાગરિકતા રદ કરવાનો આદેશ આપ્યો. હવે લલિત મોદી પાસે ના તો ભારતની નાગરિકતા છે કે ના તો વનુઆતુની. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે કોઈપણ દેશની નાગરિકતા ના હોય તો શું થાય?

લલિત મોદી કેવી રીતે ઘેરાયા ?

લલિત મોદી પર આઈપીએલમાં કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ છે અને તે ભારતીય કાયદાથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી લંડનમાં રહે છે. લલિત મોદી માટે વનુઆતુની નાગરિકતા, એ એક સલામત ઘર સમાન હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હોવાની વાત બહાર આવતાં જ વનુઆતુ સરકારે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું હતું. વડા પ્રધાન જોથમ નાપટે સ્પષ્ટ કર્યું કે, તેમનો દેશ કોઈ પણ ભાગેડુને આશ્રય નહીં આપે અને લલિત મોદીની નાગરિકતા રદ કરવાનો આદેશ આપ્યો.

નાગરિકતા ગુમાવવાનો અર્થ શું છે?

  • UNHCR મુજબ, જો કોઈ વ્યક્તિ પાસે કોઈપણ દેશની નાગરિકતા ના હોય તો તેને “સ્ટેટલેસ પર્સન” કહેવામાં આવે છે. આવી વ્યક્તિઓની કાનૂની પરિસ્થિતિ અત્યંત જટિલ બની જાય છે.
  • કોઈપણ દેશમાં કાયમી વસવાટ કરવાનો અધિકાર આવી વ્યક્તિને નથી હોતો.
  • તેઓ કોઈપણ દેશની સામાજિક સુવિધાઓનો લાભ પણ લઈ શકતા નથી.
  • તેઓ કાયદેસર રીતે મુસાફરી કરવા માટે પાસપોર્ટ મેળવી શકતા નથી.
  • તેમને શરણાર્થીનો દરજ્જો આપવાનો કે તેમને કોઈ દેશમાં કામચલાઉ વિઝા આપવાનો નિર્ણય જે તે દેશની સરકાર પર નિર્ભર હોય છે.
  • યુનાઈટેડ નેશન્સનું 1954 સ્ટેટલેસ પર્સન્સ કન્વેન્શન આવી વ્યક્તિઓને કેટલાક મૂળભૂત અધિકારો આપવાની વાત કરે છે, પરંતુ તે સંપૂર્ણપણે સંબંધિત દેશોની ઈચ્છા પર નિર્ભર કરે છે કે તેઓ સ્ટેટલેસ વ્યક્તિને આશ્રય આપશે કે નહીં.

વનુઆતુ ક્યાં છે?

વાનુઆતુ એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુઓના સમૂહનો દેશ છે. તે 83 ટાપુઓથી બનેલો દ્વીપસમૂહ છે, જેમાંથી માત્ર 65 ટાપુ ઉપર જ લોકો જ વસવાટ છે. તે ઓસ્ટ્રેલિયાની પૂર્વમાં અને ન્યુઝીલેન્ડની ઉત્તરે અથવા ઓસ્ટ્રેલિયા અને ફિજી વચ્ચે સ્થિત છે. તેની રાજધાની અને સૌથી મોટું શહેર પોર્ટ વિલા છે, જે એફેટ ટાપુ પર સ્થિત છે. ગ્લોબલ રેસિડેન્સ ઇન્ડેક્સ અનુસાર, વનુઆતુ પાસપોર્ટ 133 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. હેનલી ઈન્ડેક્સ મુજબ, વનુઆતુનો પાસપોર્ટ વિશ્વમાં 51મા ક્રમે છે, સાઉદી અરેબિયા (57), ચીન (59) અને ઈન્ડોનેશિયા (64)થી ઉપર. ભારત 80માં નંબર પર છે.

બીજી રસપ્રદ વાત એ છે કે, વનુઆતુમાં કોઈપણ વ્યક્તિની આવક કે મિલકત પર કોઈ ટેક્સ લાગતો નથી. દેશમાં ના તો વારસાગત કર છે કે ના તો કોર્પોરેટ ટેક્સ. કદાચ એટલે જ લલિત મોદીએ વનુઆતુની નાગરિકતા લેવાનું વિચાર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા બે વર્ષમાં 30 અમીર ભારતીયોએ અહીંની નાગરિકતા મેળવી છે અને અહીંની નાગરિકતા લેનારાઓમાં ચીનના લોકો સૌથી આગળ છે.