જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી ગોળીબાર કર્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માને નિશાન બનાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગોળી વાગ્યા બાદ તે નીચે પડી ગયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું. સંજય શર્મા બેંકમાં ગાર્ડ હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અચનના કાશીનાથ શર્માના પુત્ર સંજય શર્મા જ્યારે સ્થાનિક બજારમાં જઈ રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં તેણે દમ તોડી દીધો હતો. અધિકારીએ જણાવ્યું કે તે વ્યવસાયે બેંક સિક્યોરિટી ગાર્ડ છે.
દરમિયાન, તેમણે કહ્યું કે, હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓએ અચન પુલવામા નામના નાગરિક પર ગોળીબાર કર્યો હતો, જ્યારે તે સ્થાનિક બજારમાં જઈ રહ્યો હતો.
જમ્મુ અને કાશ્મીર પોલીસે વર્ષ 2022ને કાશ્મીર ક્ષેત્રમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ખૂબ જ સફળ ગણાવ્યું છે. પોલીસે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં 90થી વધુ ઓપરેશનમાં 172 આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે વર્ષ 2022 દરમિયાન કાશ્મીરમાં કુલ 93 સફળ એન્કાઉન્ટર થયા હતા, જેમાં 42 વિદેશી આતંકવાદીઓ સહિત 172 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીમાં સૌથી વધુ સંખ્યા લશ્કર-એ-તૈયબા (LeT) અને ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) ના 108 હતા, ત્યારબાદ જૈશ એ મહમંદ ના 35 હતા.
કાશ્મીર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં સુરક્ષા દળો માટે મોટો પડકાર નાગરિકોની હત્યાનો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રદેશમાં નાગરિકોની હત્યામાં સામેલ તમામ આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. ખીણમાં વિવિધ હુમલાઓ દરમિયાન લગભગ 29 નાગરિકો માર્યા ગયા હતા.