
કેન્દ્ર સરકાર ભારતમાં પ્રદૂષણ ઘટાડવા અને વિદેશોમાંથી મંગાવવામાં આવતા મોંઘા તેલ પરની નિર્ભરતા ઓછી કરવા માટે સતત મોટા પગલાં ભરી રહી છે. પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ (E20) ના સફળ પ્રયોગ બાદ, હવે સરકાર ડીઝલ વાહનો માટે પણ એક ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારત હવે ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ (Isobutanol) મિક્સ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.
નીતિન ગડકરીએ એક ટેકનિકલ કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે ઇથેનોલને સીધું ડીઝલ સાથે ભેળવી શકાતું નથી. આ સમસ્યાના ઉકેલ માટે ઇથેનોલમાંથી જ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ‘આઇસોબ્યુટેનોલ’ બનાવવામાં આવી રહ્યું છે. આ આઇસોબ્યુટેનોલ ડીઝલ સાથે ખૂબ જ સારી રીતે ભળી જાય છે અને ભવિષ્યમાં તે ડીઝલના એક શાનદાર અને સ્વચ્છ વિકલ્પ તરીકે ઉભરી શકે છે. સરકાર ટૂંક સમયમાં જ ડીઝલમાં 15 ટકા આઇસોબ્યુટેનોલ મેળવવાની સત્તાવાર મંજૂરી આપવાની તૈયારી કરી રહી છે.
સરકારે આ દિશામાં મોટો પ્રયોગ પણ કરી લીધો છે. નીતિન ગડકરીએ માહિતી આપી કે 100 ટકા ઇથેનોલ અને આઇસોબ્યુટેનોલની મદદથી બે મોટા જનરેટર સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા છે. આ ટ્રાયલથી સાબિત થયું છે કે ભવિષ્યમાં એવા એન્જિન બનાવી શકાય છે જે સંપૂર્ણપણે બાયોફ્યુઅલ પર ચાલે. આઇસોબ્યુટેનોલને નવી પેઢીનું શ્રેષ્ઠ બાયોફ્યુઅલ માનવામાં આવે છે, કારણ કે તે સામાન્ય બાયોફ્યુઅલ કરતાં વધુ ઉર્જા આપે છે, એન્જિનની લાઈફ વધારે છે અને પ્રદૂષણ પણ નહિવત કરે છે.
ડીઝલને લઈને આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા જ પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલમાં E20 ઇથેનોલ મિશ્રણને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખોટી અફવાઓનો પર્દાફાશ કર્યો હતો. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઇથેનોલ બ્લેન્ડિંગથી ગાડીઓના એન્જિન ખરાબ થતા નથી, વાહનની વોરંટી કે વીમા (ઇન્સ્યોરન્સ) પર કોઈ નકારાત્મક અસર પડતી નથી અને તેનાથી કોઈ પાણીની અછત પણ સર્જાતી નથી. આ આખી યોજના વૈજ્ઞાનિક સંશોધનો અને વૈશ્વિક ધોરણોના આધારે જ લાગુ કરવામાં આવી છે.
સરકારે જણાવ્યું કે ભારતે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મેળવવાનો મોટો લક્ષ્યાંક સમય કરતાં પહેલાં એટલે કે ડિસેમ્બર 2025 માં જ હાસિલ કરી લીધો હતો. આ યોજનાને કારણે દેશની તિજોરીના 1.9 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની વિદેશી મુદ્રા (ફોરેક્સ) બચી છે. આનાથી માત્ર પ્રદૂષણ અને ક્રૂડ ઓઇલની આયાત જ નથી ઘટી, પરંતુ દેશના ખેડૂતોની આવક વધારવામાં પણ આ બાયોફ્યુઅલ પ્રોગ્રામે મહત્વની ભૂમિકા ભજવી છે. હવે ડીઝલમાં થનારો આ નવો ફેરફાર દેશને ઉર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશે.