શું જૌહર કરનારી રાણીઓ કાયર હતી કે વિરાંગના? શું સમયને પારખી જઈ નર્કની જિંદગી છોડીને જૌહર કરવુ એ કાયરતા હતી કે વીરતા?

હાલ આ સવાલ એટલા માટે કારણ કે અભિનેત્રી(?) સ્વરા ભાસ્કર કહે છે કે ફિલ્મ 'પદ્માવત' માં ફિલ્માવાયેલો 'જૌહર સીન' આજની રેપ સર્વાઈવલ્સને એ સંદેશ આપી રહ્યો છે કે જો તમારે ઈજ્જત બચાવવી છે તો જીવ આપી દેવો જોઈએ. એવુ નથી કે સ્વરા ભાસ્કરે આવુ પહેલીવાર કહ્યુ હોય. વર્ષ 2018માં પણ સ્વરાએ આ વાત કરી હતી. સ્વરાએ આ વાત છેડ્યા બાદ વિવાદ તો થવાનું નક્કી જ હતુ અને થયો પણ. એકતરફ કરોડો લોકો કહી રહ્યા છે કે અમારા ઘરમાં દાદી-નાનીઓ આજે પણ જણાવે છે કે રાણીએ વિરતાની પરાકાષ્ટાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. તેમણે અગ્નિ સ્નાન કરવાનું પસંદ કર્યુ પરંતુ ગુલામી નહોંતી સ્વીકારી.

શું જૌહર કરનારી રાણીઓ કાયર હતી કે વિરાંગના? શું સમયને પારખી જઈ નર્કની જિંદગી છોડીને જૌહર કરવુ એ કાયરતા હતી કે વીરતા?
| Updated on: Sep 04, 2026 | 9:30 PM

‘જૌહર’ ઈતિહાસના આ સાહસને આજના સુવિધાના ચશ્માથી જોવુ એ મહાપાપ છે. જો કે આ સત્ય સમજવા માટે ઈતિહાસમાં ડોકિયુ કરવુ જ રહ્યુ. યાદ કરો વર્ષ 1303નો એ સમયને જ્યારે અલાઉદ્દીન ખીલજીની ફોજ ચિત્તોડના કિલ્લાના દરવાજા સુધી પહોંચી ગઈ હતી. એ ફોજ કિલ્લા પર ચડાઈ કરવા નહીં કિલ્લાને લૂંટવા આવી હતી. બસ દરવાજો તૂટવાની જ વાર હતી. ત્યારે કિલ્લાની અંદર રહેલી રાણીઓ, દાસીઓ, મહિલાઓ પાસે માત્ર 2 જ રસ્તા હતા. એકમાં મરજી મુજબનું મોત અને બીજામાં ગુલામીની જિંદગી જીવવાનું મોત. બીજુ મોત સામેવાળાની મરજી મુજબનું મોત હતુ. અને એ સમયની એ 800 જેટલી મહિલાઓની પોતાની પસંદગીને 700 વર્ષ બાદ આવીને કોઈ કાયરતા ગણાવી દે છે. શું આ યોગ્ય છે?

ત્યારનો સમય અને આજનો સમય ઘણો અલગ હતો. આજની રેપ સર્વાઈવલની સરખામણી તત્કાલિન સમયની મહિલાઓ સાથે કોઈ કેવી રીતે કરી શકે એ પણ મોટો સવાલ છે. કોઈ એક એક વ્યક્તિની બહાદુરીને બતાવવા અન્ય ને કાયર કેવી રીતે ગણી શકાય?

700 વર્ષ બાદ એ ઘટના સાથે આજની તુલના કરવી યોગ્ય છે?

સૌથી પહેલા તો સ્વરા ભાસ્કરે એવુ નથી કહ્યુ કે જૌહર કરનારી રાણીઓ કાયર હતી. સ્વરાએ કહ્યુ કે 2018માં ‘પદ્માવત’ ફિલ્મ જોયા બાદ તેણે સંજય લીલા ભણસાળીને એક ચિઠ્ઠી લખી હતી અને તેણે કહ્યુ કે ફિલ્મમાં મહિલાને માત્ર એક શરીર પુરતી સીમિત કરી દેવાઈ છે. બાકી મહિલાનું કંઈ અસ્તિત્વ નથી. તેમણે કહ્યુ કે ફિલ્મમાં જૌહરને દુ:ખને બદલે તહેવારની જેમ દર્શાવાયુ હતુ. જે તેની સમજ બહાર હતુ. તેનું માનવુ છે કે તેને દુ:ખની જેમ દર્શાવી શકાયુ હોત. સ્વરાનો સવાલ એવો હતો કે મહિલાઓ શણગાર સજીને આવે છે અને બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યુ છે અને આગમાં એવી રીતે જીવ આપવા માટે જઈ રહી છે જાણે કોઈ મેળો લાગેલો હોય. તેનાથી આજના દર્શકને એવુ લાગતુ હશે કે રેપ બાદ જીવિત રહેવુ સન્માનની વાત નથી.

સાથે જ સ્વરાએ એક સીનને લઈને પણ સવાલ ઉઠાવ્યો કે એક સગર્ભા મહિલા પણ અન્ય જૌહર કરનારી મહિલાઓની સાથે આગમાં કૂદવા જઈ રહી હતી. આ ફિલ્મમાં 13મી સદીની લાચારી બતાવાઈ છે. જેને વર્તમાન સમય સાથે કંઈ લેવાદેવા જ નથી. સ્વરા રાણીઓ પર સવાલ નથી ઉઠાવી રહી. તે ફિલ્મના દૃશ્ય પર સવાલ ઉઠાવી રહી છે. જો કે લોકો સ્વરાને સવાલ કરી રહ્યા છે કે શું તેણે જૌહર અંગે સવાલ ઉઠાવ્યા. બીજુ એ કે આજના સમયની યુવતીઓના સંઘર્ષની જૌહર સાથે સરખામણી કરવી પણ મૂર્ખામીભર્યુ કૃત્ય છે. 700 વર્ષ પહેલાની રાણીઓ તેમજ જૌહર કરનારી મહિલાઓને અને આજની યુવતીઓને એક જ ચશ્માથી જોવુ યોગ્ય છે? બિલકુલ નહીં.

સૌપ્રથમ તો એ ખિલજી કોઈ સદાચારી વ્યક્તિ તો હતો નહીં. એ સમયે એક જ નિયમ હતો જેણે યુદ્ધ જીત્યુ તેને સઘળુ જીત્યુ, કિલ્લો, મહેલ, ખજાનો, ખેતરો ત્યાં સુધી કે રાજાની રાણીઓ અને દાસીઓ પણ. મહેલની મહિલાઓને તેઓ રખેલ બનાવીને રાખતા હતા અથવા તો તેમને મારી નાખતા હતા. આટલુ જ નહીં કેટલીક મહિલાઓને હરમમાં છોડી દેવાતી હતી, જેને અન્ય પુરુષો પણ ભોગવી શકતા હતા. સવાલ તો એ પણ છે કે શું એ સમયની રાણીઓએ જૌહર ન કર્યુ હોત આ આ નરક થી પણ બદ્દતર જિંદગીમાં જીવી શકી હોત?

આ માત્ર હિંદુ રાણીઓની કહાની નથી

13 મી સદીના જમાનામાં હારેલા રાજાઓની રાણીઓને લૂંટનો માલ સમજવામાં આવતી હતી. આ કોઈ એક પ્રાંતનો નિયમ કે નહોંતો આ યુદ્ધની ચાલી આવતી જુની રીત હતી. આથી જ એ સમયે બે જ વિકલ્પ હતા કાં તો આગ અથવા લશ્કરને હવાલે ગુલામીની જિંદગી.

  • સન 73માં ઈઝરાયેલના મસાદા કિલ્લામાં રોમન સૈનિકોની ચડાઈ પહેલા 960 યહુદીઓએ ગુલામીથી બચવા સામૂહિક આત્મહત્યા કરી હતી. આ એ સમયના ઈતિહાસકાર લખે છે.
  • વર્ષ 1944માં સાઈપાન દ્વીપ પર અમેરિકી સૈનિકોની સામે સેંકડો ઝાપાની મહિલાઓ બાળકો સાથે પહાડ પરથી નીચે કૂદી ગઈ હતી.
  • ભલે દેશ અને પ્રાંત પ્રમાણે પરિસ્થિતિ અલગ રહી હોય પરંતુ હારેલા કિલ્લાની મહિલાઓનો આ નિર્ણય દરેક દેશ, દરેક ધર્મમાં જોવા મળે છે.

700 વર્ષ જૂની એ ઘટના સાથે આજની રેપ પીડિતા યુવતીની સરખામણી ન થઈ શકે. આજની યુવતીની કહાની-કિસ્સા તદ્દન અલગ છે. આજની યુવતી સામે માત્ર બે ઓપ્શન નથી કે તેની સાથે દુષ્કર્મ થયુ તો તેને આગમાં કૂદવાનું છે કે જીવ આપી દેવાનો છે. આજની મહિલા પાસે સવાલ સ્વમાનભેર જીવન જીવવાનો ચોકકસ હોય છે પરંતુ જિંદગી અને મોત નો નથી હોતો. બેશક ન્યાય અને ઈજ્જતનો છે.
એક તરફ એ 13મી સદીની મહિલાઓ જેની બંને સાઈડ મોત હતુ. એક તરફ આગમાં જિંદગી હોમી દેવાની અને બીજુ નર્કથી પણ બદ્દતર અપમાનની જિંદગી. જો આ બંનેને એક ત્રાજવે તોલવામાં આવશે તો કદાચ ત્રાજવુ પણ તૂટી જાય અને આ વાત ખુદ ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ વર્ષ 2018માં કહી હતી કે ફિલ્મમાં 13મી સદીની મહિલાઓને દર્શાવાઈ છે.

રેપ પીડિતા યુવતીઓના સંઘર્ષને પણ નકારી ન શકાય

સ્વરા ભાસ્કરે સરખામણી તો યોગ્ય નથી કરી પરંતુ રેપ સર્વાઈવલ્સ યુવતીઓની પીડાનો ઉલ્લેખ કર્યો છે તે પણ નકારી તો ન શકાય. જો રેપ પીડિતા વગદાર પિતાની દીકરી છે તો શહેરમાંથી વકીલ આવે છે અને તુરંત ફરિયાદ નોંધાઈ જાય છે જ્યારે ગરીબની દીકરીને FIR નોંધાવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે અને આ વરવી વાસ્તવિક્તા છે. છતા જો યુવતી મક્કમ રહી અને ફરિયાદ નોંધાવશે તો તેને એવા હીન કક્ષાના સવાલ પૂછવામાં આવશે. મેડિકલ તપાસના નામે પણ માનસિક ટોર્ચર કરવામાં આવશે. કેસની પણ તારીખો પર તારીખો પડે. લાંબી, થકવી દેનારી ન્યાયિક પ્રક્રિયાનો ભોગ બનવુ પડે છે. અને આ જ કારણ છે કે ભારતમાં 10 પૈકી માત્ર 3 રેપની ફરિયાદમાં જ મહિલાને ન્યાય મળે છે.

700 વર્ષમાં એ સમયની મહિલા અને આજની યુવતી એ ઈજ્જત શબ્દ વચ્ચે જ ફસાયેલી છે. એ સમયે રાણીઓએ જૌહર એટલે કર્યુ કે ઈજ્જત બચાવવી હતી. આજે મોટાભાગના રેપની ફરિયાદો એટલે નથી નોંધાતી કારણ કે સમાજમાં ઈજ્જત નહીં રહે. સમાજમાં મોં દેખાડવા જેવુ નહીં રહે. સમય બદલાયો, દુશ્મનો બદલાયા પરંતુ ઈજ્જતને લઈને વિચારસરણી એની એજ છે. આજે ભલે ખિલજી નથી પરંતુ પોલીસ ચોકી, હોસ્પિટલ અને કોર્ટ તો છે જ.

30 વર્ષથી ન્યાય માટે સંઘર્ષ કરી રહેલી ભંવરીદેવીનો કેસ શું છે?

એક ઈતિહાસ જૌહર ન કરનારી ભંવરીદેવી નો પણ છે. વર્ષ 1992માં રાજસ્થાનમાં ભંવરીદેવી નામની એક સરકારી મહિલા કર્મચારી એક બાળ લગ્ન રોકાવવા માટે એક નાનકડા ગામમાં ગયા હતા. ત્યારે ગામના પાંચ માથાભારે શખ્સોએ તેના પતિની નજર સામે તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યુ. ગામે તેના દાણાપાણી પણ રોકી દીધા. ગામે તો તાત્કાલિક ન્યાય પણ કરી દીધો. ભંવરીદેવી ન્યાય માટે કોર્ટમાં ગયા પરંતુ ત્યાંથી પણ આ પાંચેય નરાધમો છૂટી ગયા.

જે બાદ પણ ભંવરીદેવી જીવિત રહ્યા, લડતા રહ્યા. તેમની લડાઈનું જ પરિણામ છે કે દેશમાં ત્યારબાદ તમામ કામના સ્થળે મહિલા સુરક્ષાનો નવો નિયમ લાવવામાં આવ્યો.   પરંતુ ભંવરીદેવીને આજે પણ ન્યાય નથી મળ્યો. 30 વર્ષથી તેમનો કેસ ઉચ્ચ ન્યાયાલયમાં લટકેલો છે. કાગળ પર તો કાયદો બન્યો પરંતુ ભંવરીદેવીને તો ન્યાય ન મળ્યો.

જો 1303 ની રાણીઓ બહાદુર વિરાંગના હતી તો 30 વર્ષથી ન્યાય માટે સંઘર્ષ કરી રહેલા ભંવરીદેવી પણ બહાદૂરીની મિસાલ છે.

જો કે એક વિવાદ રાણી પદ્માવતીને લઈને પણ છે કે જે સમયે આ જૌહર જેવી મોટી ઘટના બની એ સમયના પુસ્તકોમાં તેનો ઉલ્લેખ જ નહોંતો. 240 વર્ષ બાદના પુસ્તકોમાંથી તેના પ્રમાણ મળી આવ્યા છે.

1303માં અલાઉદ્દીન ખીલજીએ જ્યારે ચિત્તોડના કિલ્લાને ઘેરી લીધો એ સમયે તેની સાથે એક અમીર ખુશરો નામનો લેખક પણ હતો. આ એજ અમીર ખુશરો છે જેમણે ચિત્તોડના કિલ્લાને લૂંટવાની આખેઆખી કહાની લખી છે. જેમા કિલ્લો કેવી રીતે તૂટ્યો, કેટલા લોકોના મોત થયા, એ તમામ વિગતો નોંધી છે  પરંતુ ખુશરોએ રાણી પદ્મિની નો ઉલ્લેખ નહોંતો કર્યો.

1303 ના જૌહરમાં તેનો કોઈ હવાલો ન હતો. તેના 240 વર્ષ બાદ આવેલી ‘પદ્માવત’ નામની કવિતામાં તેનો ઉલ્લેખ હતો. જો કે રાજપૂત ઘરોમાં આ કહાની પેઢી દર પેઢી ચાલી આવે છે.

‘જૌહર’ અને ‘સતી’ થવા વચ્ચે છે મસમોટો તફાવત

જૌહર અને સતી પ્રથા વચ્ચે પણ ઘણો મોટો તફાવત છે. જૌહરમાં મહિલાઓ સામૂહિક રીતે આગમાં કૂદે છે જ્યારે સતી થનારી મહિલા વ્યક્તિગત રીતે એકલી આગમાં કૂદે છે.

ચીનના કંટ્રોલવાળા તિબેટમાં વિનાશની અસલી હકીકત છુપાવીને ચીન દુનિયા સમક્ષ ક્યુ નેરેટિવ સેટ કરી રહ્યુ છે?- વાંચો

Published On - 9:25 pm, Fri, 4 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.