
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુલગામ જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં (Encounter) એક આતંકી માર્યો ગયો છે. કાશ્મીરના આઈજીપીએ માહિતી આપી હતી કે આ એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે. કુલગામ જિલ્લાના (Kulgam District) મિરહામા વિસ્તારમાં પોલીસ અને સેના બંને સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવી રહ્યા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના કુલગામના મિરહામા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પગલે સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો જેના પછી એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર ચાલુ છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફિદાયીન હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ એન્કાઉન્ટરમાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં CISFનો એક અધિકારી પણ શહીદ થયો હતો.
આ પહેલા શુક્રવારે જ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટર 24 કલાકથી વધુ ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કંત્રુનો સમાવેશ થાય છે. જેઓ અનેક રાજકીય કાર્યકરોની હત્યા, ગ્રેનેડ ફેંકવાની ઘટનાઓ, પોલીસ અને લશ્કરી કર્મચારીઓના અપહરણ અને હત્યામાં સામેલ હતા.
Published On - 8:21 pm, Sat, 23 April 22