
જયપુરના નાહરગઢ પર્વતમાળાની ગોદમાં આવેલું હથિની કુંડ રાજસ્થાનનું એક લોકપ્રિય ટુરિસ્ટ પોઈન્ટ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ વરસાદની સીઝનમાં મજા માણવા માટે આવે છે. પરંતુ થોડા દિવસો પહેલા અહીં જે બન્યું તે કોઇએ કલ્પ્યું પણ ન હતું. એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સાધુ, એટલે કે બાબા, કેટલાક યુવકો પર પથ્થર અને લાકડીથી હુમલો કરતા નજરે પડે છે. તપાસમાં સામે આવ્યું છે કે આ યુવકો કુંડમાં નાહતી વખતે અશ્લીલ વર્તન અને ગાળાગાળી કરી રહ્યા હતા. બાબાએ શાંતિથી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કુંડ એ એક ધાર્મિક અને ઐતિહાસિક સ્થાન છે, અહીં આવા અભદ્ર વર્તન માટે જગ્યા નથી. પરંતુ યુવકોએ તેમની વાત સાંભળી નહીં અને બાબા સાથે અયોગ્ય વર્તન કર્યું. બાબાને પણ ગુસ્સો આવ્યો અને ગુસ્સે થયેલા બાબાએ પહેલાં પથ્થરથી અને પછી લાકડીથી યુવકો પર પલટવાર કર્યો. યુવકોએ પણ વિરોધ કર્યો અને વિવાદ ઉગ્ર બન્યો. આખી ઘટના સ્થળ પર હાજર એક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી અને હવે એ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
હાલમાં હજુ સુધી પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઈ નથી. હથિની કુંડ ફક્ત કુદરતી સૌંદર્યથી નહીં, પણ તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને કારણે પણ પ્રસિદ્ધ છે. આવી ઘટનાઓ પ્રવાસન સ્થળોની શાંતિ અને ઇમેજને નુકસાન પહોંચાડી શકે છે. આશા રાખીએ લોકો સંયમ અને શિસ્ત જાળવે.