
પ્રખ્યાત ગાયક કુમાર સાનુના પુત્ર અને બિગ બોસના પૂર્વ સ્પર્ધક જાન કુમાર સાનુનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે રવિવારે (12 જુલાઈ) સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને આ અંગે જાણકારી આપી હતી. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. જાને હોસ્પિટલમાંથી એક વીડિયો પણ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જાન કુમાર સાનુએ હોસ્પિટલમાંથી શેર કરેલા વીડિયોમાં પોતાના અંદાજમાં હળવા હાસ્ય સાથે સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે, “ચીનથી આવેલા મારા મિત્ર… COVIDને સલામ. આજે હું કોકિલાબેન દ્વારા ડિઝાઇન કરાયેલ ખાસ પોશાકમાં છું અને COVIDને કારણે હોસ્પિટલમાં દાખલ થયો છું.” તેમના આ અંદાજને જોઈને કેટલાક ચાહકો હસ્યા, તો ઘણા લોકોએ તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી.
જાન કુમાર સાનુને ચેપ એવા સમયે લાગ્યો છે જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં ફરીથી COVID-19ના કેસ સામે આવી રહ્યા છે. આંધ્રપ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. આવી સ્થિતિમાં જાનના સંક્રમણના સમાચાર પણ ચર્ચાનો વિષય બન્યા છે.
જાન કુમાર સાનુ, ગાયક કુમાર સાનુ અને તેમની પ્રથમ પત્ની રીટા ભટ્ટાચાર્યના પુત્ર છે. વર્ષ 1994માં કુમાર સાનુ અને રીટાના છૂટાછેડા થયા હતા. જાને અગાઉ અનેક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેમની માતા ગર્ભવતી હતી ત્યારે જ તેમના માતા-પિતા અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેમની માતાએ જ તેમનો એકલા હાથે ઉછેર કર્યો હતો.
જાન કુમાર સાનુ અગાઉ પણ પોતાના પિતા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહ્યા છે. બિગ બોસ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે તેમના પિતાએ તેમની કારકિર્દીમાં ખાસ મદદ કરી નહોતી. જોકે, કુમાર સાનુએ આ દાવાને નકારતાં કહ્યું હતું કે તેમણે પુત્રને તક અપાવવા માટે પોતાના તરફથી પૂરતા પ્રયાસ કર્યા હતા. મતભેદ હોવા છતાં જાન અનેક વખત કહી ચૂક્યા છે કે કુમાર સાનુ તેમના પિતા છે અને તેઓ તેનો હંમેશા આદર કરે છે.
તેલ-ગેસ ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર, વેદાંતે નક્કી કર્યો મોટો લક્ષ્ય