Breaking News : ભારતમાં આતંકવાદ પર સૌથી મોટો પ્રહાર, 14 રાજ્યોમાં શહઝાદ ભટ્ટીના ISI-લિંક્ડ નેટવર્કના 253 ઓપરેટિવ્સની ધરપકડ

સ્વતંત્રતા દિવસ પૂર્વે ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન-આધારિત શહઝાદ ભટ્ટીના ISI-લિંક્ડ આતંકવાદી નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. 14 રાજ્યોમાં હાથ ધરાયેલા વ્યાપક ઓપરેશનમાં 253 ઓપરેટિવ્સની ધરપકડ કરવામાં આવી.

Breaking News : ભારતમાં આતંકવાદ પર સૌથી મોટો પ્રહાર, 14 રાજ્યોમાં શહઝાદ ભટ્ટીના ISI-લિંક્ડ નેટવર્કના 253 ઓપરેટિવ્સની ધરપકડ
| Updated on: Aug 18, 2026 | 1:55 PM

સ્વતંત્રતા દિવસ પૂર્વે ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા કુખ્યાત શહઝાદ ભટ્ટી નેટવર્ક પર સૌથી મોટો પ્રહાર કર્યો છે. 12 ઓગસ્ટના રોજ રાજ્ય પોલીસ દળો સાથે રીયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ શેરિંગ સિસ્ટમ દ્વારા એક સુનિયોજિત અને દેશવ્યાપી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વ્યાપક કાર્યવાહીમાં, દેશના 14 રાજ્યોમાં મોટાપાયે દરોડા પાડીને 253 આતંકવાદી ઓપરેટિવ્સની ધરપકડ કરવામાં આવી છે. આ સફળ ઓપરેશન દ્વારા દેશને રક્તરંજિત કરવાના આતંકવાદીઓના મનસૂબા પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પણ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને આ સફળતાની જાણકારી આપી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકારે સ્વતંત્રતા દિવસ પહેલા ISIના આતંકવાદી સંગઠન શહઝાદ ભટ્ટી નેટવર્કને નષ્ટ કર્યું છે અને 200થી વધુ સભ્યોની ધરપકડ કરીને તેમના હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ કાર્યવાહી ભારતના આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિનું શાનદાર ઉદાહરણ છે.

શહઝાદ ભટ્ટીનું નેટવર્ક અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતું. ISI પાસેથી ફંડિંગ મેળવતા આ જૂથ પાસેથી IED, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના માર્કિંગવાળા ગ્રેનેડ, પિસ્તોલ, જીવતા કારતુસ અને જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા CCTV કેમેરા જપ્ત થયા છે. આ સિન્ડિકેટ ભારતમાં ગ્રેનેડ, IED અને પેટ્રોલ બોમ્બ હુમલાઓ તેમજ ટાર્ગેટ કિલિંગમાં પણ શામેલ રહ્યું છે. ગૃહ મંત્રાલય અનુસાર, આ નેટવર્ક સ્થાનિક મદદગારોને પોલીસ સંરક્ષણ અને ધાર્મિક સ્થળોની રેકી કરવા માટે પૈસા આપતું હતું. જપ્ત થયેલા હથિયારો અને જાસૂસી ઉપકરણો સીધા સરહદ પારના સંબંધોની પુષ્ટિ કરે છે.

આ નેટવર્ક વિરુદ્ધ અત્યાર સુધીમાં 80થી વધુ FIR નોંધવામાં આવી છે, જે યુએપીએ (UAPA), ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ નોંધવામાં આવી છે. 14 રાજ્યોમાં થયેલી ધરપકડોમાં ઉત્તર પ્રદેશમાં 62, હરિયાણામાં 52, દિલ્હીમાં 51, પંજાબમાં 44, રાજસ્થાનમાં 15, મહારાષ્ટ્રમાં 8, ઉત્તરાખંડમાંથી 5 આરોપીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કર્ણાટક, ગુજરાત અને બિહારમાં 3-3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે તેલંગણા, હિમાચલ પ્રદેશ અને કેરળમાં 2-2 આરોપીઓનો સમાવેશ થાય છે.

શહઝાદ ભટ્ટી, જે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બન્યો હતો, તે પાકિસ્તાનનો કુખ્યાત ગેંગસ્ટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. 45 વર્ષીય ભટ્ટી સરહદ પારના અપરાધ અને આતંકવાદ સાથે સંબંધિત નેટવર્કનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)નો દાવો છે કે શહઝાદ ભટ્ટી હાલ બ્રાઝિલમાં છુપાયો છે અને ત્યાંથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા યુવાનોને પોતાની સાથે જોડીને વોટ્સએપ ગ્રુપ મારફતે આતંકવાદી ઘટનાઓને અંજામ અપાવે છે. આ સમગ્ર કાર્યવાહી ભારતીય સુરક્ષા દળોની સજ્જતા અને આતંકવાદ સામેની મક્કમ લડત દર્શાવે છે.

બેંક લોકરમાં કેટલું Gold રાખવાની છૂટ છે? જાણી લેજો RBIનો આ નિયમ

Published On - 1:55 pm, Tue, 18 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.